પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

3

ધર્માદાનો દ્રવ્યસંચય

ક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરિયાવાડનાં બેતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી. એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું, અરણ્યમાંથી ઊપડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા. આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી-પ્રાપ્તિના કજિયા લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ, બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદાના સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.) આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી હિન્દુસ્તાની સ્વામીએ ગૌશાળા વગેરે બધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિન્દુસ્તાની સાધુઓ ભારી વિલક્ષણ ! કાઠિયાવાડમાં ઠેર ઠેર તેઓને તમે અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના, ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે ?

જોગી બહારવટિયો

પણ મને તો એ ઇતિહાસમાં, એ ગરમ પાણીમાં કે એ પ્રતિમામાં રસ નહોતો. મને તો એ તુલસીશયામનાં કમાડ પર એક સો વર્ષ પૂર્વે એક બહારવટિયાના ભાલાના ટકોરા પડ્યા હતા તે મધરાતનો સમય સાંભરી આવ્યો. એ બહારવટિયો જોગીદાસ ખુમાણ : એ યોગી બહારવટિયાની લાંબી કથા ‘સોરઠી બહારવટિયા’ ભાગ બીજામાં વાંચશો. પોષ માસની કડકડતી ઠંડીમાં એ ચાલીસ ઘોડે મધરાતે આવ્યો : ‘ઉઘાડો !’ કહી દરવાજે ટકોરા દીધા. દરવાન કહે કે ‘નહીં ઉઘાડું ! તમે બહારવટિયા છો’ : ‘અરે ભાઈ, અમે બહારવટિયા ખરા, પણ શામજી મહારાજાના નહીં; ઉઘાડ, એક જ રાતને આશરે આવ્યા છીએ.’ જવાબ મળ્યો કે ‘નહીં ઉઘાડું. કમાડ પર ભાલાની બુડી ઠોકીને જોગીદાસે હાકલ કરી કે ‘ઉઘાડ! નીકર અટાણે ને અટાણે કમાડ તોડી, શામજીનાં અંગ પરથી વાલની વાળી પણ ઉઠાવી જશું !’ દરવાને રંગ પારખ્યો : કમાડ ઊઘડ્યાં – ચાલીસ

ઘોડીઓ અંદર ચાલી ગઈ : અને બહારવટિયો શામજીનું મંદિર ઉઘાડી, પાઘડી ઉતારી,

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
23