પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુંડરીકની પેઠે – અન્ય અજાણ્યા માનવી તરફ પોતાનું આત્મ-સમર્પણ અનુભવ્યું. એ ચોધાર રડે છે :

રો મા, રાવલિયા! ખારે આંસુડે, ખીમરા;
વીશ દા'ડાનો વદાડ, આઠ દા'ડે આવશું.

‘તું ન રો ! હું આઠ જ દિવસમાં પાછી વળીશ' એમ કહીને લોડણ ગઈ. પણ દ્વારકાના દેવળમાં સૂતાં સૂતાં, રાત્રિને અંધારે એને અમંગળ શકુનો થયાં :

આજુની અધરાત, બે બે પંખી બોલિયાં
વાલ્યમ તારી વાત, ખોટી હોજો, ખીમરા!

[ઓ પ્રીતમ ! આ પંખીની ભાષા તો આજની મધરાતે કોઈ પ્રિયજનનું મૃત્યુ સૂચવી રહેલ છે. હે ખીમરા ! તારે પક્ષે એ વાત ખોટી જ પડજો ! ભલે એને બદલે મારા સગા ભાઈ ઉપર એ સંકટ ઊતરે.]

દ્વારકાને મંદિર સ્વપનું લાધ્યું. સગા!
સાચું સગે વીર (પણ) ખોટું તુંથી, ખીમરા!

આ મોતનું સ્વપ્ન સગા વીરને પક્ષે સાચું પડજો, તને પ્રભુ બચાવી લેજો!

એવી અમંગળ શંકા લઈને લોડણ પાછી વળી છે. એ જ રાવલ નદી: એ જ ઊંચો કિનારો. ને એ જ નાનું નેસડું: પાદરમાં નવો, તાજો, સિંદૂરે ત્રબકતો પાળિયો ઊભો છે : ઓળખ્યોઃ આખી કથા જાણી : અરે બાઈ! ખીમરો તો તરફડીને મરી ગયો. એને કોઈનો વિજોગ બહુ લાગ્યો હતો એ સાંભળતાં તો લોડણના વિલાપે વગડો ગજાવી મૂક્યો :

મારગ કાંઠે મસા, ઓળખેલ ને આયર તણાં;
ઉતારીને આરસપાણ, ખાંભી કોરાવત, ખીમરા !

ઓ ખીમરા ! માર્ગને કાંઠે જ તારાં મૃત્યુ થશે એવું જાણ્યું હોત તો તો હું આરસપહાણમાંથી તારો પાળિયો ઉતરાવી મગાવત. હવે તો –

ઘોડાળા, જાવને ઘેર, (અમે) પળતાં પાળાં પૂગશું;
રે શું આજુની રાત, (તારી) ખાંભી માથે, ખીમરા.

જીવતાં જેને તજી શકે તેને મૃત્યુ પછી ન તજાયું, કેમ કે લોડણને તો આજે સાચા મૃત્યુંજય સ્નેહનો અનુભવ થયો :

ખીમરા, મોટી ખોટ, માણસને મરવા તણી,
બીજી લાખ કરોડ, (પણ) ઇ જેવી એકોય નહીં !

એવા સમર્પણને સંભારતી પરજાતીલી પરદેશણે ગીરની વચ્ચે ખીમરાની ખાંભી ઉપર જ પોતાનાં રુધિર ચડાવી દીધાં:

લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા 1[૧]


  1. 1 'લોડણખીમરો' એ દુહાબદ્ધ કથા સોરઠી ગીતકથાઓમાં છે.
     
સૌરાષ્ટ્રના ખંડેરોમાં
31