પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મોકલવા જોઈએ. સુપાત્ર અને સંસ્કારી મુનિઓએ તો પરમ તત્ત્વની શોધ માટે ત્યાં રાજીખુશીથી એકાંતવાસ કરવો ઘટે છે. ઉપર આકાશ, સન્મુખ રૂપેણનો રૂપેરી જલપ્રવાહ, દૂર ક્ષિતિજ પર અબોલ ડુંગરમાળ, અને ચોપાસ સળગતાં મેદાન : એ બધાં આજે સાચા મુમુક્ષુને કિરતારની શોધના પંથ બતાવવા જાણે આતુર ઊભાં છે. સાણાનો ધીરો ધીરો ધ્વંસ દેખીને પ્રકૃતિ-માતા ત્યાં જાણે રુદન કરે છે.

પ્રેમાલય

સાણામાંથી એક દિવસ ધર્મ વિદાય લઈ ગયો. અને તે પછી જાણે કોઈ લડાયક જાતિઓએ ત્યાં કિલ્લેબંદી કરી હોય તેવી ગઢ-રચનાની એંધાણીઓ પડી છે. ત્યાગ અને સમત્વના એ દેવાલય ઉપર એક દિવસ તલવાર-બંદૂકોએ હિંસાનાં લોહી રેલાવ્યાં હશે. એ બંને ભૂમિકાઓ વટાવી આપણું પ્રવાસી હૃદય આ સાણા ઉપર એક ત્રીજા જ સંસ્કાર ઊતરતા કલ્પે છે. આખો ડુંગરો જાણે પેલા વિરહી રબારી પ્રેમિક રાણાના નિઃશ્વાસમાં એક દિવસ સળગતો હશે. પોતાની બાળપણની સખી કોટાળી કુંવર, કેવળ જ્ઞાતિ-ભેદના કારણે જ પોતાના ભાગ્યમાંથી ભુંસાઈ ગઈ, બીજે પરણી ગઈ, રાણો એના સમાચાર લેતો લેતો પોતાની ભેંસો ઘોળીને સાથે આવી પહોંચ્યો, અને એ જીવતા જીવતા પહાડને પૂછ્યું કેઃ

કાગા જમત હે આંગણે, ખન ખન પથારા,
સાણા! સાજણ ક્યાં ગયાં, મેલીને ઉતારા!

નદીને પૂછ્યું :

ચોસર જેનો ચોટલો, નાક ભાતીયાં નેણ,
રાણો પૂછે રૂપેણને, કોઈ દીઠાં મુંજા સેણ.

સામે પાંચ ગાઉ ઉપર નાંદીવેલામાં 'કુંવર્ય' વસે છે, પણ રાણાથી કેમ જવાય? સાણો બેસીને એનું ધ્યાન ધરવું જ રહ્યું. પરંતુ જીવ ન જંપ્યો:

સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,
આવ્યું આંટો લે, તું મન રાણા તણું.

ભેંસો લઈને ભટક્યો. ધુંવાસના ડુંગરમાં ગયો. પાછો સાણામાં ને સાણામાં સમાયો.

ગોપ-ગોપીનો આશરો

યોગી, યોદ્ધા અને પ્રેમી, ત્રણેયનું પ્યારું ધામ આ સાણો: આજે એની પડતી અવસ્થામાં પણ એ બિચારો પશુઓનું ને ગોવાળોનું રક્ષણ કરે છે. ચોમાસે ચોમાસે આજે ત્યાં ગોવાલણોની ગોળીઓમાં મહી ઘૂમતાં હશે, આષાઢ-શ્રાવણની હેલીઓમાં વહેલા પહોરની ઘંટીઓ પ્રભાતિયાં ગાતી હશે, રબારીઓની સરજૂઓ સૂરજ મહારાજનાં સ્વાગત કરતી હશે, આભ-ધરતીના લગ્ન-મંડપ જેવા રૂપાળા લીલૂડા બની જતા એ ડુંગરને કોઈ અબોલ ખૂણે ગોપ-ગોપીના નવા પ્રેમ જન્મતા હશે.

46
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ