પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફોરમ રહી ગઈ એની ગુલાબના ગોટા જેવો જ ચહેરો જોઈ આવવાનું મને એણે ચીંધાયું, તે ચહેરો પણ આજે ક્યાં છે? હજુ આલમ પર ફોરે છે? નથી ખબર, આઠથી યે વધુ ચોમાસાં વરસી ગયાં એને દીઠ્યા પછી.

જમાદાર ગુલમહંમદ

એનું નામ જમાદાર ગુલમહંમદ. તાલાળા ગામે મને તેડવા આવતા એ અસ્વારની સૂરત મેં છેટેથી દીઠી – રાંગમાં કોઈ પાણીદાર ઘોડી રમતી હતી ને મેં એ ચહેરાને મીંડવી જોયો, પેલા બોલની જોડે : 'ગુલાબના ગોટા જેવો!'

- ને ખાતરી થઈ કે ગગુભાઈના વર્ણનમાં અલંકારની ભભક નહોતી, સુંદર સત્ય હતું.

સાઠ વર્ષની લગોલગ અવસ્થા ખેડતો આદમી પોતાના ચહેરા ઉપર તાજાં ગુલો રમાડી શકે, એ એક નવાઈ પામવા જેવી તો ભલે ને નહિ, પણ ખરેખર પ્રસન્ન થવા જેવી વાત હતી. ખાખી પોશાકમાં એની શ્વેત દાઢીથી મઢેલી સિપાહીગીરી શોભતી હતી.

ને હું એની પાછળ પાછળ મારી ઘોડીને હાંક્યે જતો, સાંસણને ઘાટે ગીર-માર્ગે અજાયબ થતો હતો કે આજ શું એ જ ગુલમહંમદ – જે કાદરબક્ષ બહારવટિયાની જોડે દસ-અગિયાર વરસની ઉમ્મરે દિવસરાત ગીરના ડુંગરા ખેડતો હતો ! આ શું એ જ બાલક, જેને બીજા ડાકુઓની જોડાજોડ ફાંસીની સજા પણ થઈ હતી? આના દીદાર ઉપર તો એક રેખાય ગેરઇન્સાનિયતની નથી કળાતી ને !

બધું જ કહીશ !

રસ્તામાં સાંજ આથમતી હતી. ગાઢાં જંગલોને તાજેતર વાઢી વાઢી ખેડ માટે ખુલ્લી કરવામાં આવેલી ધરતી ઉપર અમે વેગમાં ઘોડાને લીધ્યે જતા હતા. અઢાર ભાર વનસ્પતિમાંથી ગળાઈ ગળાઈને લીલોતરીની ગંધ નાકમાં ચૂતી હતી. છ ગાઉનો પલ્લો ખેંચવાનો હતો. ને મારી જિજ્ઞાસા દબવી દબાતી નહોતી. હું એ ગુલાબના ગોટા-શા ચહેરાવાળા જૈફ આદમીને ગુફતેગુના કૂંડાળામાં પેસાડવા પ્રયત્ન કરતો હતો :

“આપની ઉંમર ત્યારે કેવડી હતી? ફાંસીની સજામાંથી આ સ્થિતિ પર, જંગલખાતાના આસિસ્ટંટ ઉપરી-અધિકારીની પાયરી પર આપ શી રીતે મુકાયા?"

ગુલમહંમદભાઈ ફક્ત એટલો જ જવાબ દેતા: “હું આપને મુકામે જઈને પછી તમામ વાતો કહીશ. તમામ કહીશ.”

પછી સાસણના સરકારી થાણામાં પોતાના મકાનમાં બેસી તસબીના પારા પડતાં મૂકતાં મૂકતાં એમણે મને જે જે વાતો કહી, જેની નોંધપોથી અત્યારે મારી સામે જ પડી છે. ત્રણ દિવસ લગી અમારી બેઉની એકધારી બેઠક પહોંચી. વચ્ચે એ પાંચેય નમાઝ

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
49