પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
પત્ર વાચન.


એટલું કહીને ચાણક્ય ત્યાંથી ગચ્છતી કરી ગયા અને વૃન્દમાલા પોતાને માર્ગે ચાલતી થઈ. એના મનમાં આ વેળાએ નાના પ્રકારના વિચારો આવવા લાગ્યા હતા. પરંતુ ચાણક્યે જે કાંઈપણ કહ્યું, તે અસત્ય હશે, એવો સંશય તો તેના મનમાં ન જ આવ્યો. આ વૃત્તાંત સાંભળવાથી મુરાદેવીને કેટલો બધો આનંદ થશે, તે એને માટે શું કહેશે, ચાણક્યનો અને તેનો મેળાપ કેવી રીતે થશે અને ચાણક્ય જ્યારે તેના પિતૃગૃહનો વૃત્તાંત કહી સંભળાવશે, એટલે તેનો પરામર્ષ કેવો થશે; ઇત્યાદિ વિચારતરંગો તેના હૃદયસમુદ્રમાં ઉદ્દભવ્યા કરતા હતા. વળી થોડાક ભીતિ ઉપજાવનાર વિચારો પણ તેના મનમાં આવ્યા. મુરાદેવીના બંધુનો સંદેશો લઈને એ બ્રાહ્મણ આવેલો છે, એની જાણ થશે, તો મહારાજાનો અવશ્ય એનાપર કોપ થશે કે હમણાં હમણાં મુરાદેવીમાં તેમનો મોહ વધતો જાય છે, માટે સામો એ બ્રાહ્મણ આદરને પાત્ર થશે ? એ શંકાનો નિર્ણય તેનાથી થઈ ન શક્યો. અંતે તેનો એવા નિર્ધાર થયો કે, રાજા ધનાનન્દ એક ક્ષણિક બુદ્ધિનો પુરુષ છે, અર્થાત્ કઈ વેળાએ તેના મનમાં કયા વિચારો આવશે અને તે કેવું કૃત્ય કરી બેસશે, એનો નિયમ નથી, અર્થાત્ મુરાદેવી પાસે ચાણક્ય વિશેની જે કાંઇપણ વાત કરવી તે પ્રથમ ગુપ્ત રીતે જ કરવી જોઇએ, પછી તે વિચાર કરશે અને કોને એ વાત જણાવવી અને કોને ન જણાવવી, એનો નિશ્ચય કરશે અને તે આજ્ઞા કરશે તેમ આપણે પણ કરીશું એવા વિચારો કરતી કરતી તે નિત્ય પ્રમાણે પોતાની સ્વામિનીના મહાલયમાં પોતાના ઓરડામાં ગઈ અને ત્યાંથી વસ્ત્રો બદલીને મુરાદેવીની સેવામાં ઉપસ્થિત થઇ.

મુરાદેવી એ વેળાએ રાજાની સેવામાં નિમગ્ન થએલી હતી. પોતે રાજાપર નાખેલાં મોહિની અસ્ત્રોનો પ્રભાવ કિચિન્માત્ર પણ ઓછો થવો ન જોઇએ - દિવસે દિવસે તે વધતો જ જવો જોઇએ અને બીજી રાણીઓ, વિશે રાજાના મનમાં જેટલો તિરસ્કાર ઉત્પન્ન થઈ શકે, તેટલો તિરસ્કાર ઉપજાવવા, એની મુરાદેવીના મનમાં સતત ચિંતા રહ્યા કરતી હતી. અર્થાત્ એ કાર્યની સિદ્ધિ માટેના જેટલા શક્ય પ્રયત્નો હોય, તે કરવાને તેણે દૃઢ નિશ્ચય કરેલો હતો. સારાંશ કે રાજા જ્યારથી આવીને તેના મંદિરમાં નિવાસ કરી રહ્યો હતો, ત્યારથી ક્ષણવાર પણ તેને તેણે પોતાનાવિના એકલો બેસવા દીધો નહોતો. તે સર્વદા તેની પાસે જ બેસી રહેતી હતી, અને રાજા જેવા એક રંગીલા અને લહેરી સ્વભાવના પુરુષને પોતાના વશમાં રાખવા માટે જે જે વિવિધ હાવભાવ અને મોહક ચેષ્ટાઓ કરવી જોઇએ, તે સર્વના પ્રયેાગો તેણે દિનરાત ચાલૂ જ રાખ્યા હતા.