પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
ચાણકયનું કારસ્થાન.

હતા - તે માલ એમની પાસેથી અમે પડાવી લીધો છે. ગુરુજી ! ચન્દ્રગુપ્તનાં પરાક્રમો........…..”

“ગુરુરાજ!” તેને બોલતો અટકાવીને ચન્દ્રગુપ્ત વચમાં જ બોલી ઊઠ્યો “મારા એકલાનું જ નામ એ વ્યર્થ આગળ ધરે છે. આ બધાએાએ આજે એકસરખું પરાક્રમનું કાર્ય કરેલું છે. ગમે તેમ હો પણ આ સઘળું ધન ગુરુદક્ષિણા તરીકે આપનાં ચરણોમાં સમર્પિત કરવાનો અને આ યવનોને આ૫ના દાસ તરીકે અર્પવાનો અમે બધાએ નિશ્ચય કરેલો છે. અમારાં મહા ભાગ્ય કે, અમારી એ ગુરુદક્ષિણાનો સ્વીકાર કરવા માટે આપ આજે જ અહીં આવી પહોંચ્યા. હવે આનો સ્વીકાર કરો અને આશીર્વાદ આપીને અમારા શિરપર કૃપાથી કર ધરો.” એ તેનું ભાષણ સંપૂર્ણ થતાં જ સર્વ શિષ્યોએ “ગુરુજીનો જયજયકાર હો ! આર્ય ચાણક્યનો જયજયકાર હો !! એવો જયજયકારનો ગગનભેદક ધ્વનિ કર્યો.

એ જય જયકારનો ધ્વનિ સાંભળતાં જ ચાણક્યનાં ચક્ષુમાંથી પ્રેમનાં અશ્રુનું વહન થવા લાગ્યું. તે એના પ્રત્યુત્તરમાં એક પણ શબ્દનો ઉચ્ચાર કરી શક્યા નહિ. વીરવ્રત અને ચન્દ્રગુપ્ત આદિ જે શિષ્યો પાસે જ ઉભા હતા, તેમને તેણે ઘણા જ પ્રેમથી પસવાર્યો અને “વત્સો ! આ ધન મેળવીને આજે તમે એક એવું મોટું કાર્ય કરેલું છે, કે તેની તમારા મસ્તિષ્કમાં કલ્પના માત્ર પણ નથી.” એટલો ઉદ્ગાર રુંધાતા કંઠે તેણે મુખમાંથી બહાર કાઢ્યો. વધારે તે બોલી ન શક્યો.

એ બનાવને એક બે દિવસ વીતી ગયા પછી વીરવ્રત અને ચન્દ્રગુપ્તને એકાંતમાં બોલાવીને ચાણક્યે જે કહેવાનું હતું, તે કહી સંભાળાવ્યું. વીરવ્રતને તેણે આશ્રમની વ્યવસ્થા રાખવા માટે અને પોતા તરફથી જ કાંઈપણ આજ્ઞાપત્ર આવે, તે પ્રમાણે કરવાને આશ્રમમાં જ રાખવામાં આવ્યો અને રાજપુત્રને યોગ્ય થાય, એવા સર્વ પરિવાર લઈને તથા ચન્દ્રગુપ્તને રાજકુમારનો વેશ ધારણ કરાવીને, ચાણક્ય તેને લઈ પાટલિપુત્રમાં પાછો આવ્યો. યવનો પાસેથી મળેલું સઘળું ધન તેણે પોતાસાથે જ રાખ્યું હતું, એ કહેવું પડે તેમ નથી; કારણ કે, વાચકો એ વિશે અનુમાન કરી શકે તેમ છે.