પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
માર્જરીનું મરણ.

તેથી જ હું કહું છું કે, પ્રથમ શોધ કરો અને નિશ્ચય થાય, ત્યાર પછી જે કાંઇ કરવાનું હોય તે કરો. આપના મનમાં પાછળથી પશ્ચાત્તાપ ન થાય એટલો જ મારો હેતુ છે.”

“પણ હવે તું જ કહી દે કે શોધ કરવા માટે આમાં શંકા જેવું બીજું શું બાકી રહેલું છે તે ?” ધનાનનંદે વળી પણ પોતાનો જ વિચાર જણાવ્યો.

“કેમ, શંકા જેવું બીજું કશું પણ નથી? મહારાજ!” મુરાદેવી પોતાની કપટદૃષ્ટિનો એક પાત કરીને કહેવા લાગી, “હવે જુઓ કે, શંકાઓ કેટલી બધી છે તે પ્રથમ તો એ જાણવાનું છે કે, મહાદેવીએ આજે કોઈ વ્રતનું ઉદ્યાપન કર્યું હતું કે નહિ ? કદાચિત્ કર્યું હોય તો વાયનદાન માટે અપૂપ જ બનાવ્યા હતા કે બીજું કાંઈ? અપૂપ જ બનાવ્યા હોય, તો તે તેમણે પોતે જ બનાવ્યા હતા કે બીજા કોઈએ ? જો તેમણે જ બનાવ્યા હોય, તોપણ કરંડમાં તેમણે પોતે ભર્યા હતા કે નહિ? અને પત્રિકા પણ તેમના પોતાના જ હસ્તે લખાઈ હતી કે કેમ ? ઇત્યાદિ વાતોનો શોધ કરવાનો છે. કદાચિત્ માર્ગમાં સારા અપૂપોને કાઢી નાંખીને કોઈ બીજાએ જ તેને સ્થાને આ વિષવાળા અપૂપો રાખી દીધા હોય તો ? દેવીના કોઈ શત્રુએ જ તેમની પાયમાલીનો આ ઉપાય યોજ્યો હોય તો ? એવી એવી એક બે નહિ પણ સેંકડો શંકાઓ આવી શકે તેમ છે. બીજું તો રહ્યું, પણ આ માર્જારીને પ્રથમથી જ મેં કોઈ પ્રકારનું વિષ આપી દીધું હોય અને આ અપૂપનું બહાનું બતાવ્યું હોય, એ શંકા પણ કાઢવી જોઈએ અને તેનું નિરાકરણ કરીને ત્યારપછી જ જે કરવાનું હોય તે કરવું જોઈએ. આવી વ્યવસ્થા કીધા વિના જ આપ જો પટ્ટરાણી યુવરાજ માતા મહાદેવીને કાંઈપણ શિક્ષા આપશો, તો એ કાર્ય મેં જ આપને ભમાવીને કરાવ્યું, એવો મારે શિરે જ દોષ આવશે. આપને કોઈ કાંઈપણ કહેવાનું નથી. ચાર દિવસ આપની મારાપર કૃપા છે, ત્યાં સૂધી તો કોઈથી પણ મારું કાંઈએ ભુંડું કરી શકાય તેમ નથી; પરંતુ કાલાંતરે જ્યારે પણ આપની કૃપાદૃષ્ટિમાં ન્યૂનતા થશે, તે વેળાએ મારા પ્રાણની રક્ષા કરવાનું કાર્ય મને અશકય થઈ પડવાનું. મારા હૃદયમાં જે ભીતિ છે, તે માત્ર એટલી જ છે. આપ તો પોતાના સંરક્ષણ માટે સર્વથા સમર્થ છો જ.”

મુરાદેવીની શંકાઓનો એ વૃત્તાંત સાંભળીને રાજા ધનાનન્દ મોટેથી અટ્ટાહાસ કરીને બોલ્યા કે, “પ્રિયે મુરાદેવી ! તું આજ કાલ ઘણી જ બીકણ બની ગએલી દેખાય છે. તારામાંનો મારો પ્રેમ હવે કોઈબીજા