આખા શરીરમાં લ્હાય બળ્યા કરે છે - એવી હું બહાર અફવા ઉડાવું છું. એટલે એ ફિતૂરીઓ વધારે ધીટ બનશે અને ઘણા જ પાસે આવીને તપાસ કરવા માંડશે; એથી આપણા શોધનું કાર્ય વધારે સગવડભરેલું થઈ પડશે. આ મારી શ્વેતાંબરી માર્જારી મને ઘણી જ પ્રિય હતી એ તો આપ જાણો જ છો - એ મરી ગઈ છે અને આપ પ્રકૃતિ બગડવાનું નિમિત્ત કરીને બેસો. હું આ માર્જારીના શબને દાટવાના બહાનાથી બાગમાં જાઉં છું અને મારા અંતઃપુરમાંની છૂપી બાતમીઓ મેળવવા માટે આસપાસ કોણ કોણ ફર્યા કરે છે કે કેમ, એની ખબર કાઢી આવું છું.” રાજાએ પહેલાં તો કેટલીક હા ના કરી, પણ અંતે એમ કરવાનું અનુમોદન આપ્યું. રાણીએ એક દાસીને તે માર્જારીનું શબ ઉપાડવાની આજ્ઞા કરી અને સુવર્ણ કરંડ તથા અપૂપ પોતે ઊપાડી લીધાં. મહાદેવીની પત્રિકા તો તેણે ક્યારનીએ ઉપાડી લીધી હતી. બહાર નીકળ્યા પછી તે પોતાની મૃત માર્જારીને સંબોધીને બોલી કે, “શ્વેતાંબરિ ! તેં આજે મારું કેટલું બધું કાર્ય સાધી આપ્યું છે ! મારાથી તેનું વર્ણન કરી શકાય તેમ નથી.”
ચન્દ્રગુપ્તને મુરાદેવીના મંદિરમાં રાખવા પછી ચાણક્યે પોતાના પ્રથમ કાર્યનો આરંભ કર્યો. એ કાર્ય તે પાટલિપુત્રમાં પરસ્પર વૈરભાવ ધરાવનારા કોણ કોણ છે અને બીજા કોના કોનામાં વૈર થવાનો સંભવ છે, એનો શોધ કરવાનું હતું. રાજા ધનાનન્દ હવે મુરાદેવીના પાશમાં પૂરેપૂરો ફસાઈ ગયો છે અને કોઈ મગરમચ્છે કોઈ મનુષ્યનો પગ પકડ્યો હોય, તો તેને પાણીમાં પૂરેપૂરા ડુબાવીદેવા પહેલાં તે છોડતો નથી. તેમ જ મુરાદેવી પણ રાજાને પોતાના પંજામાંથી વીલો મૂકવાની નથી. એ વિશે ચાણક્યનો દૃઢ નિશ્ચય થઈ ગયો હતો. જો મુરાદેવીનો પ્રયત્ન કાંઈ પણ નબળો પડે કિંવા કોઈ કાર્ય તેની શક્તિ ઉપરાંતનું હોય, તો તેને સહાયતા આપવા માટેનો અને તેના પ્રયત્નને પુનઃ બળવાન્ બનાવી દેવાનો, એટલે કે તેની મહત્ત્વાકાંક્ષા અને વૈર વાળવાની ઇચ્છાની વૃદ્ધિ કરી આપવાનો ચાણક્ય પાસે એક રામબાણ ઉપાય હતો. એ રામબાણ ઉપાયની યોજના કોઈ કટોકટીના પ્રસંગે જ કરવાનો તેનો મનોભાવ હતો. જ્યાંસુધી અમાત્ય રાક્ષસ રાજ્ય કાર્યભારની દેખરેખ રાખે છે, ત્યાં સુધી જ નંદરાજા આમ ને આમ નિંદ્રિત અને નિશ્ચિન્ત રહેવાનો; કારણ કે,