પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

શકાય. એને પોતાની રાજનીતિ વિશારદતાનું ઘણું જ મોટું અભિમાન છે ! પરંતુ કોઈ દિવસે તે એ અહંકારનો આગાર ખાલી થવાનો જ !” ભાગુરાયણે પોતાની અનુમતિ દર્શાવી.

“પણ હવે એ દાવને સવળો કરવામાં તને અશકયતા શી દેખાય છે ? રાક્ષસ એવા સ્વામિદ્રોહનો સંદેશો ન જ મોકલે, એમ ધારીને પર્વતેશ્વર દૂતનો વિશ્વાસ નહિ કરે, એમ તને ભાસે છે ? જો એમ ભાસતું હોય તો તે ખોટું છે. પર્વતેશ્વર અવશ્ય તે દૂતને વિશ્વાસપાત્ર ગણવાનો જ, એવી મારી દૃઢ ધારણા છે. રાજા ધનાનંદ મુરાદેવીના મોહપાશમાં ફસાઈને ન કરવા જેવાં કૃત્યો કરવા લાગ્યો છે, એથી હવે મને એના દાસત્વનો કંટાળો આવી ગયો છે એ શુદ્ર નારીની શીખવણીથી કોઈ વેળાએ કોણ જાણે તે શુંય અનર્થ કરી નાંખશે, એનો ભરોંસો નથી - તેથી જ હું તને બોલાવું છું - ઇત્યાદિ અગડમ બગડમ કહેવડાવી મોકલ્યું કે, પાટલિપુત્રનું રાજ્ય લેવાના લોભે અંધ થએલો પર્વતેશ્વર ભ્રમિષ્ટ થઈને એકદમ અહીં આવશે અને પાટલિપુત્રને ઘેરો ઘાલશે. રાક્ષસના આમંત્રણથી જ પર્વતેશ્વરની પાટલિપુત્રમાં પધરામણી થવાની અફવા લોકોમાં એકવાર પ્રસરી, એટલે બીજું શું જોઇએ ? બધું અનુકૂલ થઈ જશે. માત્ર તારે તારી સેનાને પેાતાના સ્થાનેથી ખસવા દેવી નહિ, એટલે તારો દાવ સવળો થએલો જ જાણવો. કેમ હું કહું છું તે ખરું છે કે ખોટું?” ચાણક્યે યુક્તિનું દર્શન કરાવતાં કહ્યું.

“આર્ય ચાણક્ય ! રાજપુત્રનું મરણ થયું છે, એ બીના જો હું જાણતો ન હોત, તો તે જીવતો છે અને તેની તમને સારી રીતે ખબર છે - તેથી જ તમે આમ બોલો છો – એમ જ મેં માન્યું હોત. કારણ કે, તમે યુક્તિઓની જે રચના કરવાનું સૂચવો છો, તે એવી રીતે જ સૂચવો છો કે, જાણે તે હમણાં જ કરવાની હોયની ! કૃત્રિમતાનો એમાં કિંચિત્માત્ર પણ ભાસ થતો નથી.” ભાગુરાયણે કહ્યું.

“સુજ્ઞ સેનાનાયક ! બુદ્ધિમાનો એ વિનોદવાર્તા પણ એવી કરવી જોઇએ કે, જેથી જ્ઞાનની પણ કાંઈક વૃદ્ધિ થઈ શકે. મેં તને હમણાં જ જણાવ્યું હતું કે, મને રાજનીતિશાસ્ત્ર અને તેમાં પણ કુટિલ નીતિશાસ્ત્રનો ઘણો જ નાદ છે. તેથી જ આવી નાના પ્રકારની કાલ્પનિક રચનાઓ કરીને હું મારા મનને બે ઘડી આનંદિત કરું છું. સોક્યોએ અને અમાત્યએ મળીને માત્ર દ્વેષભાવથી જ મુરાદેવીના પુત્રનો ઘાત કર્યો, તેને માટે તારા મનમાં આટલો બધો ખેદ થતો જોઈને મારા મનમાં સહજ એવી કલ્પના થઈ આવી કે, જો એ પુત્ર જીવતો હોય અને તેને તારા