પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
ભાગુરાયણ સેનાપતિ.

બ્રાહ્મણ જેવો વિદ્વાન છે તેવો જ નિ:સ્પૃહી પણ છે. કોઈ પણ પ્રકારની ઇચ્છાનો એનામાં વાસ નથી અને એથી એનામાં મારે વિશેષ ભાવ થયો છે અને કોઈ કોઈ વેળાએ ત્યાં જઈ ચઢું છું એટલું જ - બીજું કશું પણ હું જાણતો નથી.” ભાગુરાયણે એટલું કહીને અમાત્યની ચર્યાનું નિરીક્ષણ કર્યું. તેના ઉત્તરથી અમાત્યના મનનું સમાધાન થઈ ન શક્યું, એ તેના જોવામાં તત્કાળ આવી ગયું; તથાપિ અમાત્ય શું બોલે છે, એની વાટ જોતો તે સ્તબ્ધ બનીને બેસી રહ્યો. અમાત્ય પણ કેટલીકવાર સુધી સ્વસ્થ રહીને ત્યાર પછી કહેવા લાગ્યો કે;-

“સેનાધ્યક્ષ! એ બ્રાહ્મણ મુરાદેવીના બંધુને ત્યાંથી તેના પુત્ર સાથે આવેલો છે, એ આપ જાણતા નથી, એમ આપના બેાલવા૫રથી અનુમાન કરી શકાય છે, નહિ કે ?”

અમાત્યનું એ બોલવું સર્વથા છદ્મી હતું. એ તેના શબ્દોના ઉચ્ચરાની રીતિથી ભાગુરાયણ કળી ગયો. પોતે બ્રાહ્મણનો એટલો સંબંધ ન જણાવવાથી અમાત્યે તે કહી બતાવ્યો. એવી સ્થિતિ જોઈને ભાગુરાયણે કહ્યું કે, “હા – એમ મારા સાંભળવામાં પણ આવ્યું છે તો ખરું.”

“પરંતુ આપ એ નિશ્ચયપૂર્વક નથી જાણતા, એમજ ને ?” અમાત્ય રાક્ષસે પાછો પ્રશ્ન પૂછ્યો.

“હું નિશ્ચયપૂર્વક કેમ જાણી શકું ભલા? હું કોઈની પાછળ ગુપ્ત રાજદુતોને ભમાવીને છૂપી બાતમીઓ મેળવવાનો ઉદ્યોગ કરતો નથી. એથી કોઈ પણ બીના હું નિશ્ચયપૂર્વક જાણી શકતો નથી.” ભાગુરાયણે ઉત્તર આપ્યું.

એ છદ્મી ઉત્તર જાણે સમજી જ ન શક્યો હોયની ! તેવો ભાવ દેખાડીને રાક્ષસ પાછો તેને પૂછવા લાગ્યો કે, “પણ મેં તો ગુપ્ત રાજદૂત દ્વારા એવી ખબર મેળવી છે કે, એ બ્રાહ્મણ પોતાને જેવી રીતે ઓળખાવે છે, તેથી સર્વથા ભિન્ન પ્રકારનો જ છે. આપ કદાચિત એ વિશે કાંઈ પણ નહિ જાણતા હો, ને તેથી આપ કદાચિત્ તેના ભાષણમાં વિશ્વાસ રાખીને ભૂલાવો ખાઈ ન જાઓ, તેટલામાટે જ આપને મેં આજે આટલી ઊતાવળથી બોલાવી મંગાવ્યા છે. એ બ્રાહ્મણનું કહેવું એમ છે કે, હું મુરાદેવીના પિયરીયાંમાંથી આવેલો છું, પણ મારા મનમાં તો તે વિશે પણ શંકા છે. મુરાના ભત્રીજાના નામથી એ જે બાળકને લઈ આવ્યો છે, તે ખરેખર મુરાનો ભત્રીજો છે કે નહિ, એનો પણ સંશય જ છે. એ સંબંધીનો મારો શોધ ચાલુ જ છે, અને આપ પણ જો એ શોધમાં મને સહાયતા