આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વત્સલાભ.

હોવાથી સર્વત્ર ચંદ્રિકાનો સ્વચ્છ શીતલપ્રકાશ વિસ્તરી રહ્યો હતો, તે સર્વ વૃદ્ધ પુરુષોએ ત્યાં લાકડાં લાવીને અગ્નિ પ્રજ્વલિત કર્યો અને તેની આસપાસ તે સર્વ બેસી ગયા. ક્યાંય ચાર વૃદ્ધ ગૃહસ્થો એકત્ર થઈ બેઠા કે ત્યાં તેમનું પોતાના યૌવન કાળમાં બનેલી ઘટનાઓ વિશે જ સંભાષણ ચાલવાનું, એ એક સર્વ સાધારણ નિયમ જ થઈ ગયો છે; પરંતુ આજે આ વૃદ્ધ મંડળમાં કાંઈ તેવા સંભાષણનો ઉદ્‌ભવ થયો નહિ. “યવનોના ત્રાસથી કંટાળીને મૌર્યોનો રાજા ગુહપતિ યવનોથી લડતાં રણમાં પડ્યો અને તેની પત્ની મગધદેશમાં પલાયન કરી જતી મારી દૃષ્ટિએ પડી.” એમ એક વૃદ્ધે પોતાના અન્ય વૃદ્ધ મિત્રોને જણાવ્યું એથી સર્વના હૃદયમાં અતોનાત ખેદ થતાં યવનોની બીજી વાતો નીકળી. એમાં “યવનોએ પંચજનપર હલ્લેા કરીને ત્યાં ઘણો જ ત્રાસ પ્રવર્તાવ્યો છે અને પોરસ (પર્વતેશ?) રાજાનો પૂર્ણ પરાભવ કરીને તેના રાજ્યને પાદાક્રાન્ત કરી ગંગાતટ પર્યન્તના સમસ્ત પ્રદેશને જીતી લેવાનો તેમનો ઘનઘોર પ્રયત્ન ચાલૂ છે.” એવી પણ એક વાત નીકળી. જે ગોવાળિયાના રહેઠાણ પાસે એ જમાવ જમેલો હતો તે વૃદ્ધ ગોપાલકનું મન એ વાર્તાઓના શ્રવણથી ઘણું જ ઉદ્વિગ્ન અને સંતપ્ત થઈ ગયું. તે એકાએક બીજાઓને ઉદ્દેશીને કો૫થી કહેવા લાગ્યો કે,“ જે કાળ વીતી ગયો, તે ઘણો જ ઉત્કૃષ્ટ હતો. હવે પછી આપણા જેવા માટે વધારે જીવવામાં લાભ નથી. 'આ આપણો દેશ એક સમયે યવનોના અધિકારમાં જશે.' એવું ભવિષ્ય જો પ્રથમ કોઈએ, ભષ્યું હોત, તો મેં તેને ત્યાંનો ત્યાં જ ઊભો ને ઊભો ચીરી નાખ્યો હોત, પણ આજે તે પ્રસંગ પ્રત્યક્ષ આવી પહોંચેલો છે, અને આપણે તેનો વ્યર્થ અને નિરર્થક ઊહાપોહ કરતા બેઠા છીએ. પર્વતેશના વિશાળ રાજ્યની આવી રીતે ધૂળધાણી થાય - અને તે પણ આપણી હયાતીમાં ! એના કરતાં આપણને મોત આવે, તો શું ખોટું છે ?”

એ શૌર્યપૂર્ણ શબ્દ ઉચ્ચારતી વેળાએ એ વૃદ્ધનું શરીર થરથર કંપતું હતું. પ્રત્યેક શબ્દ જાણે તેના અંત:કરણને વેધી તથા ભેદીને જ મુખદ્વારા બહાર પડતો હોયની ! એવો તેની મલિન મુખમુદ્રામાં સ્પષ્ટ ભાસ થતો હતો.

તેના એ શબ્દોનું બીજાઓના મનમાં પણ થોડું ઘણું પરિણામ થયું. ખરી રીતે જોતાં એ ગોવાળિયાઓ, તે બહુધા જંગલમાં વસનારા મનુષ્યો જ હતા તેથી કયો રાજા ક્યાં આવ્યો અને તે કોણ તથા ક્યાં ગયો, એની માહિતી તેમને હોવાનો ઘણોજ થોડો સંભવ હોવો જોઈએ અને જો તેઓ