અને આનંદદર્શક ભાવ બતાવીને બોલ્યો કે, “વાહ – સેનાધ્યક્ષ ! વાહ - તું પણ મહા નીતિવિશારદ દેખાય છે ને શું? રાક્ષસના સ્થાને તારી યોજના થવી જોઇતી હતી, એમ જે વારંવાર મારા મનમાં આવ્યા કરે છે, તે કાંઈ અમથું નથી આવતું, તારો વિચાર જોકે ઘણો જ સારો છે, પણ તેને પાર પાડવામાં ઘણી જ સાવચેતી રાખવાની અગત્ય છે; એ તને કહેવું પડે તેમ તો નથી જ. જો એમાં સાવધતા ન રહી, તો પરિણામ કાંઈ બીજું જ આવવાનું, પણ સેનાનાયક ! રાક્ષસ આપણા આ કાર્યમાં કાંઈ પણ વિઘ્ન નહિ લાવે, એમ તને ભાસે છે ખરું કે ? સુમાલ્યમાં રાક્ષસને ઘણો જ સારો ભાવ છે, તેને પદભ્રષ્ટ કરીને રાજા, ચંદ્રગુપ્તને - રાક્ષસના અભિપ્રાય પ્રમાણે વૃષલને-સિંહાસને બેસાડે, તો રાક્ષસ શાંતિ અને સંતોષથી તેની સેવા કરશે કે શું? એમ થવું જો શક્ય હોત, તો પ્રથમથી જ તેણે ચન્દ્રગુપ્તને મારી નાંખવાનો પ્રયત્ન શામાટે કર્યો હોત વારુ? રાક્ષસને ચન્દ્રગુપ્તના પક્ષમાં ન રહેવાનું બીજું પણ એક કારણ છે. તે એ કે, ચન્દ્રગુપ્ત સુમાલ્ય જેવો નિર્માલ્ય અને મૂર્ખ નથી. તે પોતાના વિચાર પ્રમાણે કાર્યભાર ચલાવે એવો છે અને રાજાને તેનામાં પ્રેમ હોવાથી રાજા તેનો જ પક્ષ કરીને મારી અવહેલના કરશે, એવી ભીતિ રાક્ષસના મનમાં થવી જ જોઇએ. રાક્ષસ જો કે સ્વામિનિષ્ઠ છે ખરો, પણ જ્યારે પોતાનું કાંઈ પણ ચાલતું નથી, એમ તેના જોવામાં આવશે, તે વેળાએ તેની સ્વામિનિષ્ઠા છે તે સ્થાને રહેશે કે નહિ, એ અત્યારે કહી શકાય તેમ નથી. આપણે જે મુખ્યત: કાર્ય સાધવાનું છે તે એ છે, રાક્ષસનો પ્રભાવ એાછો થાય અને તેનાપરની મહારાજાની અને બની શકે તો પ્રજાની પણ પ્રીતિ ઘટી જાય એવો પ્રયત્ન કરવો - અને જ્યાં સુધી એ પ્રયત્ન સિદ્ધ ન થાય, ત્યાં સુધી આપણા બીજા બધા પ્રયત્નો વ્યર્થ છે. અંતે તો રાક્ષસને પણ આપણે આપણા પક્ષમાં લાવીશું તો ખરા જ, પણ સેનાપતિ ભાગુરાયણ પણ મારા જેવા જ નીતિશાસ્ત્રનાં તત્ત્વોને જાણનારો છે, એવો રાક્ષસનો નિશ્ચય થશે નહિ, ત્યાં સુધી તે કોઈ કાળે પણ આપણા વશમાં આવનાર નથી. આપણા નીતિચાતુર્યનો પણ તેને નમૂનો તો જોવા દે.”
ચાણક્યનું એ ભાષણ સાંભળીને ભાગુરાયણ ભ્રમિષ્ટ જેવો બની ગયો. “રાક્ષસ આપણા પ્રયત્નમાં અવશ્ય આડે આવવાનો જ. અમે આ કારસ્થાનો કરીએ છીએ, એની તેને જાણ થતાં જ તે છાનોમાનો કોઈકાળે પણ બેસશે નહિ, માટે તે સ્વસ્થ અને શાંત છે ત્યાં સુધીમાં આપણા યત્નને સફળ કરીને તેને આશ્ચર્યચકિત કરવો જોઇએ. તેની આંખો હજી સુધી ઉધડી નથી, એટલામાં તેના આંધળાપણાનો લાભ લઈ લેવો જોઇએ. એવા