“પ્રત્યક્ષ આવવાથી મેળાપ થઈ નથી શકતો અને કોઈ પોકાર નથી
સાંભળતું, એમ તેનું કહેવું છે.” રાજાએ પત્ર વાંચીને કહ્યું.
“અમાત્યનો પોકાર અને તે અહીં કોઈ સાંભળતું નથી ? મનમાં અમુક એક કાર્ય કરવાની ધારણા ન હોય, એટલે પછી તેનાં અનેક કારણો બતાવી શકાય છે. ઠીક; પણ પત્રમાં એણે શું લખ્યું છે?” મુરાદેવીએ પૂછ્યું.
“પુનઃ એકવાર તેણે અહીં આવીને મને મળી જવાની આજ્ઞા માગી છે અને તે પ્રસંગે એક મોટા રાજકારણ વિશે વાતચિત કરવાની તેની ઇચ્છા છે, એમ આમાં લખેલું છે.” રાજાએ ઉત્તર દીધું.
“હશે એ પણ પહેલાંના જેવું જ કોઈ રાજકારણ. હવે પરચક્રનું કારણ તે ક્યાંથી બતાવી શકે? અમાત્ય મહાન્ સ્વામિભક્ત હોવાથી મને લાગે છે કે, આપની ક્ષેમકુશળતા માટે તેના મનમાં સદા સર્વદા સંશયેા જ આવ્યા કરતા હશે. હું આપના જીવને કાંઇપણ જોખમમાં નાંખવાની છું, એવો સંશય તો એને નહિ આવ્યો હોયને? મને તો આજકાલ – જો કે કહી નથી શકાતું તોપણ – એમ ભાસવા લાગ્યું છે કે, એના મનમાં અવશ્ય મારા માટે જ કોઈ ખેાટો સંશય આવેલો છે. પણ હું હવે એ ભાંજગડમાં પડવા નથી માગતી. મારી પાસે તો હવે માત્ર આપનાં ચરણની સેવા વિના બીજા વિષયમાં ધ્યાન આપવાની વેળા જ નથી અને મારી તેવી ઇચ્છા પણ નથી. નહિ તો એના મનમાં શું છે અને શું નહિ, તે મેં બધુંએ બહાર કઢાવ્યું હોત; પરંતુ જ્યાં સુધી આપનો મારામાં નિર્મળ સ્નેહ છે, ત્યાં સૂધી હું સર્વથા નિઃશંક છું. બીજાઓના મનમાં મારા વિશે ગમે તેટલા સંશયો હોય અને તેઓ મારા માટે ગમે તેમ બોલતા હોય, તેની દરકાર કરવાનો કે તેમની તપાસ કરવાનો વિચાર સુદ્ધાં પણ હવે મારા મનમાં રહ્યો નથી. આપનાં ચરણોને આધારે હું સર્વથા નિઃશંક નિર્ભય અને નિશ્ચિત થઈ ગએલી છું. પણ અમાત્યે આટલું બધું શું લખ્યું છે વારુ?” મુરાદેવીએ સ્ત્રીચરિત્રના ભાવથી ધીમે ધીમે વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો.
“અમુક એક ઘણું જ મહત્ત્વનું રાજકારણ છે, માટે કૃપા કરીને જેટલી ઊતાવળે બની શકે, તેટલી ઊતાવળે એક વાર દર્શનનો લાભ આપવો અને હું આવું તે વેળાએ મારી પ્રાર્થના લક્ષપૂર્વક સાંભળી લેવી; એટલું જ લખેલું છે, બીજું તે શું હોય? મને તો હવે તારાવિના એક ક્ષણ માત્ર પણ ચાલી નથી શકતું અને અમાત્ય રોજ નવાં નવાં રાજકારણો