આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દરિદ્રિ બ્રાહ્મણ.

યવનોના અધિકારમાં લાવવાના કાર્યમાં ઉદ્યુક્ત થયો. તેણે પોતાના સૈન્યમાં પુષ્કળ ગ્રીકયવન સૈનિકો રાખ્યા અને તેથી તે પોતે આર્ય છતાં પણ તેને મ્લેચ્છાધિપતિ એવા એક ઉપનામથી લોકોએ વિભૂષિત કર્યો. સિકંદરે જતાં જતાં પોતાના કેટલાક અધિકારીઓને પાછળ આ દેશમાં રાખેલા હતા, પરંતુ તેમને પર્વતેશના હાથનીચે રાખવામાં આવ્યા હતા - એટલું જ પર્વતેશને મહત્ત્વ અપાયલું હતું. એવી રીતે સર્વત્ર યવનોનો અધિકાર ચાલુ થવાથી ધીમેધીમે પંજાબમાં યાવની વિદ્યાનો પણ પ્રસાર થવા લાગ્યો અને સંસ્કૃત વિદ્યાની નષ્ટતાનાં લક્ષણો દેખાવા લાગ્યાં. સંસ્કૃત પંડિતોનાં મનો એથીઘણાં જ કલુષિત થવા લાગ્યાં, અને એમ થવું સ્વભાવિક જ હતું. સિકંદર બાદશાહે પોતે અને તેના કેટલાક સરદારોએ આર્ય અબળાઓ સંગે વિવાહ સંબંધ કરેલો હતો, પરંતુ એ વિવાહો બળાત્કારે જ કરવામાં આવ્યા હતા. પંજાબમાંના કેટલાક આર્યજનોનો એ ગ્રીક લોકોથી શરીર સંબંધ થવાથી કેટલેક અંશે ઉભયનું તાદાત્મ્ય થએલું હતું. અર્થાત થોડાક આર્યો યવનોના પક્ષના હતા. પરંતુ સાધારણ રીતે સમસ્ત આર્યોના હૃદયમાં તો યવનો માટે અત્યંત તિરસ્કાર જ હતો – તે એટલે સુધી કે કેટલાક લોકો તો એ પંજાબ પ્રાન્તનો પરિત્યાગ કરીને પેલી તરફના ગંગાના પ્રદેશમાં કિંવા મગધદેશમાં નિવાસમાટે ચાલ્યા જતા હતા.

મગધદેશમાં તે સમયે નંદરાજા રાજ્ય કરતો હતો. એ દેશ ઘણો જ સુસંપન્ન હતો. એની રાજધાનીનું નગર પાટલીપુત્ર હતું. હાલમાં જેને પટના નામથી ઓળખવામાં આવે છે, તે પટનાની પાસે જ એ પ્રાચીન નગર વસેલું હતું. અને તે કાળમાં એ નગર ઉત્તર-ભારતવર્ષમાં આર્યવિદ્યાનું, આર્યબળનું અને આર્યબુદ્ધિનું એક મુખ્ય સ્થાન મનાતું હતું. પરંતુ મગધદેશમાં થનારા આપણા પ્રયાણને હજી થોડો અવકાશ છે. ત્યાં ગયા પછી પાટલિપુત્રના વૈભવનિરીક્ષણનો પ્રસંગ સહજમાં જ આપણને પ્રાપ્ત થશે.

હાલતો આપણે પંજાબની ઉત્તર દિશાએ આવેલી ગાંધાર દેશની રાજધાની તક્ષશિલા નગરીનું અવલોકન કરવાનું છે. હાલમાં જે દેશને કંદહારના નામથી ઓળખવામાં આવે છે, તેનું જ પૂર્વે ગાંધાર એવું નામ હતું. એ ગાંધારદેશ તે પ્રાચીન કાળમાં એક ઘણો જ પ્રસિદ્ધિને પામેલો દેશ હતો. મહાભારતમાં અને બીજાં પુરાણોમાં એનું નામ અનેક પ્રસંગે અને અનેક કારણથી આવેલું છે. કૌરવની માતા અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી તે એ દેશનીજ રાજકન્યા હતી. એ ગાંધારદેશને પાદાક્રાન્ત