પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
નિશ્ચય ચળી ગયો.

જા અને ગુરુરાજ ચાણક્યને કહે કે, આપણે રચેલા સધળા ક૫ટવ્યૂહની સમાપ્તિ કરીને ચન્દ્રગુપ્તને અત્યારેને અત્યારે અહીંથી લઈ જાઓ. મહારાજ, આજે અહીંથી બહાર ન નીકળે, તેટલા માટે હું બહુ જ પ્રયત્નો કરવાની છું; પણ અંતે જો તે મારું નહિ જ સાંભળે, તો નિરુપાયે આ બધી વાત મહારાજને જણાવીને તેની ક્ષમા માગવાનો પણ મેં નિર્ધાર કરેલો છે. તેમણે ક્ષમા કરી, તો તો સારું, નહિ તો તે જે શાસન મને આપશે, તે સહન કરવાને પણ હું તૈયાર છું; પરંતુ સર્વથા વિનાકારણ રાજાનો ઘાત તો હું થવા દેવાની નથી જ. સુમતિકે ! આપણા આ કાવત્રાંની કોઈને ખબર ન પડે અને મહારાજના પ્રાણ પણ બચે, એવી યુક્તિ જો તને કોઈ સૂઝતી હોય, તો મને બતાવ નહિ તો મેં તને કહ્યું, તે પ્રમાણે તો હું કરવાની છું જ, સમજી કે ?”

એ બધું મુરાદેવીએ જોશમાં ને જોશમાં ઓકી તો નાંખ્યું, પણ પાછળથી તરત જ તેને એનો વિચાર થઈ પડ્યો. મુરાદેવીનું એ ભાષણ સાંભળીને સુમતિકા તો દિગ્મૂઢ જેવી જ બની ગઈ. “આ મુરાદેવી જ બોલે છે કે શું? હું જાગતી છું કે સૂતી ? હું સ્વપ્નમાં તો નથી ને?” એવો તેને ભ્રમ થઈ ગયો. તે તત્કાળ પોતાની સ્વામિનીને કહેવા લાગી કે, “દેવિ, તમારા વિચારો આમ એકાએક બદલાઈ જવાનું કારણ શું થયું? તે જણાવશો, અમારે શું, અમે તો ચિઠ્ઠીનાં ચાકર – અત્યારે જ ઇચ્છા હોય, તો અત્યારે જ જઈને ચાણક્યને બોલાવી લાવું. અમે તો આજ્ઞાને આધીન.”

“જ્યારે તારું એમ જ કહેવું છે, ત્યારે અવશ્ય જા - દોડ. મારો એવો જ નિશ્ચય છે. જો હું એ બધા ભેદ મહારાજાને કહી દઈશ, તો એ બિચારા ગરીબ બ્રાહ્મણના જીવનો વિના કારણ ઘાત થશે. માટે એને પ્રથમથી જ ખબર આપીને નસાડી દેવો, એ વધારે સારું છે. જા – જા એક ક્ષણ માત્ર પણ ખોટી ન થા. જો આ સમય હાથમાંથી જતો રહ્યો, તો પછી શું થશે, તે કહી શકાય તેમ નથી જ. મારું મન ઘડી ઘડીમાં ફર્યા કરે છે - જા.” મુરાદેવીએ તેના શબ્દને પકડી લીધા અને કહ્યું.

સુમતિકાને પણ એમ જ લાગ્યું કે, “જો આ ક્ષણે આર્ય ચાણક્ય આવશે, તો જ બગડેલું કાર્ય પાછું બની શકશે - તે વિના બનવું અશક્ય છે.” એવા વિચારથી તે તત્કાળ ત્યાંથી ચાલી ગઈ અને થોડી જ વારમાં પાછી આવી પહોંચી.

આર્ય ચાણક્ય અને મુરાદેવી વચ્ચે થએલો એ વેળાનો પરસ્પર સંવાદ ઘણો જ વિચિત્ર હતો. તે વાંચકોને હવે પછીના પ્રકરણમાં જણાશે.