થશે, પણ પતિના પ્રાણ જશે. જો પતિના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરવો
હોય, તો તેને આ બધું સાફ સાફ કહીને તેની દયા પર જ આધાર રાખવો
જોઇએ. હવે એ વિના બીજો કોઈ પણ માર્ગ નથી. જો રાજાને અહીંથી
ન જવા દેવાનો મારો યત્ન સફળ થાય, તો તો ઘણું જ સારું; પણ જો
નિષ્ફળ થાય તો પછી શું કરવું?” એવા એવા અનેક વિચારો તેના મનમાં
આવવા લાગ્યા-તે ઉન્માદિની બની ગઈ. તેનું મન ત્રિવિધ થઈ ગયું. એક એક
પ્રકારનો ઉપદેશ કરે, બીજું બીજા જ પ્રકારનો ઉપદેશ આપે અને ત્રીજું
મન ત્રીજી જ જાતનો માર્ગ બતાવે, એવી સ્થિતિ થઈ. હવે શો ઉપાય કરવો,
એના વિચારમાં જ તે હતી, એટલામાં રાજા ધનાનન્દ જાગૃત થયા અને
તેણે મુરાદેવીને સાદ કર્યો.
રાજા ધનાનન્દ ઘણો વખત-એક પ્રહર દિવસ વીતી જતાં સુધી સૂતેલો હતો. રાત્રે મોડે સુધી જાગરણ કરેલું હોવા છતાં પણ મુરાદેવી વહેલી વહેલી ઊઠી ગઈ, એ જોઈને રાજાને ઘણું જ આશ્ચર્ય થયું. આશ્ચર્યથી તે તેને કહેવા લાગ્યો કે, “હું આજે સભામાં જવાનો છું, તેથી તને નિદ્રા આવી નથી, એમ જ લાગે છે. તારી હજી એવી જ ધારણા છે કે હું અહીંથી એકવાર ગયો એટલે પાછો આવીશ નહિ ? તું તો ગાંડી જ રહી ગઈ! પણ હું પાછો આવીને તારી એ ગાંડાઇને ભૂલાવી દઇશ.”
“ના-ના મહારાજ ! આપ આજે જશો નહિ–જવું હોય તો આવતી કાલે ભલે પધારજો.” મુરાદેવીએ ન જવાનો આગ્રહ કર્યો.
“આવતી કાલે જવાથી શું વધારે થવાનું છે ? અને આજે શું ઓછું છે ? તારા સંશયો વ્યર્થ છે. તું હવે મારા ગમનની તૈયારી કરવા માંડ. હું તો આજે જવાનો જ. રાક્ષસે સઘળી તૈયારી કરી રાખી હશે અને તે હમણાં જ મને બેલાવવાને આવી પહોંચશે.” રાજા ધનાનન્દે પોતાનો હઠ પકડી રાખ્યો.
“પણ પ્રાણનાથ ! આજે મારું ડાબું નેત્ર ઘણું જ ફરક્યા કરે છે- તેથી મારા મનમાં ભીતિ થયા કરે છે.” મુરાએ પાછી યુક્તિ કાઢી.
“તારી ભીતિ સંધ્યાકાળે જતી રહેશે. હું પાછો આવ્યો, એટલે તારી એ ભીતિ ગઈ જ જાણવી.” રાજા વિનેાદમાં જ બેાલ્યો.
મુરાદેવીની મુખમુદ્રા એકાએક મ્લાન થઈ ગઈ. તેના મુખમાંથી એક પણ શબ્દ નીકળી શક્યો નહિ. ભય અને આશ્વર્યના મિશ્રિત ભાવથી તે એક ધ્યાનથી રાજાના શરીરનું સૂક્ષ્મ અવલોકન કરવા લાગી. રાજા પણ હસતો હસતો તેના ચંદ્રસમાન મુખને વિનોદથી જોતો બેસી રહ્યો.