પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
પતિ કે પુત્ર ?


પ્રકરણ ૨૬ મું.
પતિ કે પુત્ર ?

રાજાનો નિશ્ચય ફેરવવા અને તેને આજે રાજસભામાં જતો અટકાવવા માટેના મુરાદેવીના બધા પ્રયત્નો નિષ્ફળ થયા. રાજા ધનાનન્દે તેનું કાંઈ પણ સાંભળ્યું નહિ. તેણે તો પોતાનો હઠ પકડી જ રાખ્યો તેણે કહ્યું, “આજે તારું કાંઈ પણ ન માનવાનો મેં નિશ્ચય કરેલો છે. હાલ તો તને પ્રહર દોઢ પ્રહર જરાક માઠું લાગશે; કારણ કે, મને પાછો આવવામાં એટલો સમય તો થવાનો જ. પણ જયારે હું પાછો આવી પહોંચીશ, એટલે તારી આવી શંકાઓનો સદાને માટે ઉચ્છેદ થઈ જશે. ખાસ એ જ હેતુથી આજે મેં જવાનો પાકો વિચાર કર્યો છે. આજે તારી વિનંતિ કે આર્જવતાને હું લક્ષમાં લેવાને નથી જ. તારી આજ્ઞાનો હું ભંગ કરીશ જ - માટે હવે તારે કાંઈ પણ વધારે બોલવું નહિ. મારા જવાની તૈયારી કર.જો તને અહીં ન જ ગમે, તો તું પણ ચાલ મારી સાથે - તું પણ એક હાથીપર બેસી જા – ચાલ. એથી જો મને ભમાવવાનો કોઈ પ્રયત્ન કરશે, તો તું પાસે હોવાથી મને પાછો તારે ત્યાં લઈ આવી શકીશ. કેમ, છે કે આવવાની ઇચ્છા? જો આવવું હોય, તો તારા માટેની હું વ્યવસ્થા કરાવું.” રાજા ધનાનંદ એવી રીતે કાંઈક વિનોદ અને કાંઈક સત્યતાના મિશ્રભાવથી બોલતો હતો; પરંતુ એ સઘળા ભાષણથી મુરાદેવી માત્ર એક વિષયનો દૃઢતાથી નિર્ણય કરી શકી કે, “રાજા કોઈ પણ રીતે મારા કહેવા પ્રમાણે અત્યારે ચાલે તેમ નથી. પોતાનો રાજસભામાં જવાનો નિશ્ચય એ ફેરવશે નહિ જ.” રાજા જો કે કાંઈક વિનોદથી બોલતો હતો, પણ તેનું તેવા જ વિનોદથી પ્રત્યુત્તર આપી શકે, તેવી મુરાદેવીના મનની સ્થિતિ હતી નહિ. તેનું મન સર્વથા ગભરાઈ અકળાઈ ગયું હતું; એ નવેસરથી કહેવાની કાંઈ પણ અગત્ય નથી. “હું જો આ વેળાએ સ્વસ્થતા ધારી બેસી રહીશ, તો મારા પુત્રને રાજ્ય પણ મળશે અને મારી પ્રતિજ્ઞા પણ ખરી થશે. પરંતુ પતિની હત્યાનું મહાપાતક લાગવાથી મારો ચિરકાલ રૌરવ નરકમાં નિવાસ થશે. અર્થાત્ પુત્રને રાજ્યાસને વિરાજેલો જોઈને જે આનંદ થાય, તેને બદલે પ્રત્યેક પળે પતિનું સ્વરૂપ નેત્રો સમક્ષ આવીને ઉભું રહેવાથી શોકનો જ વિશેષ આવિર્ભાવ થશે. પતિહત્યાના પાતકથી મન સર્વદા ઉદ્વિગ્ન જ રહ્યા કરશે. માટે એમ તો ન જ કરવું - સ્વસ્થતાથી બેસી ન જ રહેવું. જે જે કારસ્થાનો મેં આજ સૂધીમાં કર્યા છે અને જે જે વ્યૂહોની રચના કરી છે, તેમનો બધો ભેદ પતિને જણાવી દેવો, પછી મારું જે થવાનું હશે તે થશે.