વળી પણ તે જે કાંઈ શિક્ષા કરશે તે હું આનંદથી સહન કરીશ. વધારેમાં વધારે એ શું કરશે? વળી પણ મને કારાગૃહમાં નાંખશે, એટલું જ કે નહિ? કારાગૃહમાં રહેવાની તો હવે મને ટેવ જ પડી ગએલી છે, એથી વધારે કરશે, તો તે મારો વધ કરાવશે ! પણ ના – મને કારાગૃહમાં નાંખવાથી કે મારી નખાવવાથી જ એ વિષયની સમાપ્તિ થશે નહિ - એ ખરેખર વિચારવા જેવો વિષય છે, જેનો જન્મતાં જ ઘાત કરવામાં આવ્યો હતો, એવી ધારણાથી મેં જેનું વૈર વાળવા પ્રતિજ્ઞા કરી હતી, તે મારો પુત્ર આજે આટઆટલાં વર્ષ પછી મારી દૃષ્ટિએ પડ્યો છે અને તેને રાજ્ય મળવાની પણ સર્વ તૈયારીઓ થઈ ચૂકી છે, તે મારા બાળકનું શું થશે? આજ સુધી નાના પ્રકારનાં કાવત્રાં રચીને અંતે અણીના અવસરે હું તેના પ્રયત્નને માટીમાં મેળવું છું, એમ જોઈને આર્ય ચાણક્ય બધી બીના જાહેર કરી નાંખશે, અને એમ થયું એટલે રાજા અવશ્ય ચન્દ્રગુપ્તને પણ ઠાર કરશે જ. આ પુત્ર આપનો નથી, એમ કહીને જેને મારી નાંખવા માટે મારાઓના હાથમાં આપ્યો હતો, તે તે વેળાએ બચી ગયો હતો - એથી જુઓ કે આપના પર આજે કેવું સંકટ આવ્યું તે? એ જ પુત્ર રાજ્ય લેવા માટે આ૫ના પ્રાણહરણનો પ્રયત્ન આદરી બેઠો છે, ઇત્યાદિ વાતો કરીને મારાં પ્રતિપક્ષી જનો રાજાને ઉશ્કેર્યા વિના રહેવાના નથી જ અને એવાં ભાષણોથી એકવાર રાજા ચીડાયા, એટલે કોપના આવેશમાં તે શું કરશે અને શું નહિ, એનો નિયમ નથી. ચન્દ્રગુપ્ત પોતાનો પુત્ર છે, એવો વિચાર માત્ર પણ તેના મનમાં આવશે નહિ. કદાચિત્ તેને ઊભો ને ઊભો બાળી પણ નાંખે ! ત્યારે હવે અનિષ્ટના નિવારણને શો ઉપાય કરવો ? શું મારે જ મારા પુત્રનો ઘાત કરવો? અને તેને રીબાઈ રીબાઈને મરતો આ નેત્રોથી જોવો ? ના-ના-એમ તો બને જ નહિ. ત્યારે બચાવવો કોને? પતિને કે પુત્રને ? બન્ને બચી જાય તો કેવું સારું થાય? મારો પુત્ર જીવતો છે, એ મારા જાણવામાં આવી ગયું છે, એટલે હવે પછી સુમાલ્યને બદલે એને જ સિંહાસન અપાવવા માટે પાછળથી જોઇએ તેટલી ખટપટો કરી શકાશે. જો આજનો પતિહત્યાનો પ્રસંગ પણ ટળી જાય અને પુત્રના જીવની પણ હાનિ ન થાય, તો આગળ ઉપર મહારાજાનું મન તો ગમે તેમ કરીને પણ વાળી શકાય તેમ છે. કોઇ પણ રીતે ચન્દ્રગુપ્તને પાટલિપુત્રનો રાજા બનાવી શકાશે. પરંતુ ખાસ એટલા માટે જ રાજાનો ઘાત કરવાની કશી પણ આવશ્યકતા નથી. અરે રે! હું કેવી ગાંડી કે એ કારસ્થાની બ્રાહ્મણના કપટજાળમાં ફસી પડી ! પોતાનું દુષ્ટ કાર્ય સાધી લેવા માટે એણે મને પોતાના હાથમાં લીધી અને હું પણ તેની સાથે કપટસમુદ્રમાં વહેતી ચાલી ! હવે જો હું સ્વસ્થ નહિ બેસું અને તેના સઘળા પ્રયત્નો હું નષ્ટ કરવા બેઠી છું, એવી