પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
રાક્ષસની પ્રતિજ્ઞા.

સેનાધ્યક્ષ! મહારાજાને તો સુરક્ષિતપણે પહોંચાડી દીધાને રાજસભામાં?” એ વાકય દ્વિઅર્થી હતું – એનો ભાગુરાયણ કાંઈ પણ જવાબ આપે, એટલામાં તો તે પાછો બોલવા લાગ્યો, “ભાગુરાયણ ! રાજકુળનો ઘાત કરીને આ તારું કાળું મોઢું બતાવવાને શા માટે આવ્યો છે? મારા અંધત્વને લીધે લોકદૃષ્ટિથી જો કે તું મગધદેશનો સંરક્ષક બન્યો હોઈશ, છતાં પણ મારી અને તારી પોતાની દૃષ્ટિથી તો તું રાજકુળનો ઘાતક જ છે. માટે તું અત્યારે પોતાના એ દુષ્ટ કૃત્યની બડાઈ મારવાને મારી પાસે આવેલો છે કે શું ? નીચ ! તું બધાંનાં નેત્રોમાં ધૂળ નાખીને તેમને આંધળા બનાવીશ?”

ભાગુરાયણ તત્કાળ તેના બોલવાનો ભાવાર્થ સમજી ગયો. પરંતુ તેણે એનું સમર્પક ઉત્તર જેટલી શીધ્રતાથી આપવું જોઈતું હતું, તેટલી શીધ્રતાથી આપ્યું નહિ. જો એને સ્થાને બીજો કોઈ હોત, તો તેણે “આપની જેવી ઇચ્છા હતી, તે પ્રમાણે બધું થઈ ચૂક્યું છે,” એવું જ ઉત્તર આપ્યું હોત. પરન્તુ સમયસૂચકતાનો ગુણ ભાગુરાયણમાં જોઈએ તેવો હતો નહિ. એ તો ઉપર કહેલું જ છે. અર્થાત્ ક્ષણ બે ક્ષણ તેનાથી કાંઈપણ બોલી શકાયું નહિ. ત્યાર પછી વિચાર કરીને તે રાક્ષસને કહેવા લાગ્યો કે,“અમાત્યરાજ ! મેં અને ચન્દ્રગુપ્તે મળીને પર્વતેશ્વરને કેદ કરી લીધો છે, માટે હવે પછી રાજ્યની શી વ્યવસ્થા કરવી, એટલો જ પ્રશ્ન બાકી રહેલો છે, અને આપની મંત્રણા વિના એ પ્રશ્નનો નિકાલ થઈ શકે તેમ નથી. તેથી આપને શોધતો શોધતો હું અહીં આવી લાગ્યો છું. આપણામાંથી કોઈને કાંઈ પણ છૂપા સમાચાર ન મળવાથી પર્વતેશ્વરનો દાવ ફાવી ગયો અને જે કાંઈ કરવાનું હતું તે તેણે કરી નાંખ્યું છે. હવે જે ઘાત થઈ ગયો છે, તેને ન થયો કરી શકાય તેમ નથી. એટલા માટે હવે જે કાંઈ પણ વ્યવસ્થા કરવાની હોય તેનો વિચાર થવો જોઈએ. આપ કૃપા કરીને ચાલો - સૈન્યે જે કર્તવ્ય બજાવવાનું હતું તે બજાવ્યું છે. હવે આપનું કર્તવ્ય બાકી રહેલું છે મને ચાણ-ચન્દ્રગુપ્ત મહારાજે ખાસ આપને બોલાવી લાવવા માટે જ મોકલેલો છે.”

સેનાપતિ ભાગુરાયણ એ ભાષણ કરતો હતો, તે ક્ષણે રાક્ષસના હૃદયમાંની કોપની જ્વાળાઓ તેના સમસ્ત શરીરને પ્રજાળી નાંખતી હતી. એમાં પણ ચન્દ્રગુપ્તને મહારાજની પદવી મળ્યાનું સાંભળતાં તો તે પોતાનું ભાન પણ ભૂલી ગયો. ભાગુરાયણે “ચાણ” એવો અર્ધ શબ્દ ઉચ્ચારી જીભ કચરીને ચન્દ્રગુપ્ત મહારાજનું નામ લીધું, એ બીના રાક્ષસના ધ્યાનમાં આવી નહિ. ને તત્કાળ કાંઈક સંતાપ, કાંઈક ઉદ્વેગ અને કાંઈક કપટના સંમિશ્રિત ભાવથી બોલ્યો કે, “ચન્દ્રગુપ્ત મહારાજ? ચન્દ્રગુપ્ત મહારાજનું