પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પોતાના કુટુંબ સહિત સુખેથી રહી શકશો. માટે તેમ કરી નાંખવામાં શી અડચણ છે ?”

ચન્દનદાસે ચાંડાલની એ પ્રાર્થનામાં કાંઈ પણ ધ્યાન રાખ્યું નહિ. તે એકદમ રાક્ષસને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! આપ મારા મિત્ર છો, માટે આપની આજ્ઞા ભૂલભરેલી તો નહિ જ હોય, એવા ભાવથી મેં આપનું પત્ર વાંચતાં જ મારા ઘરમાંથી ભોંયરું ખોદવાના કાર્ય માટે અનુમોદન આપ્યું. એનું કારણ સુદ્ધાં પણ મેં આપને પૂછ્યું નહિ. જો કે ખરી રીતે તો તે મારે જાણવું જ જોઈતું હતું. એ અંધત્વનું પ્રાયશ્ચિત્ત હું અત્યારે ભોગવતો ઊભો છું. માટે આપ હવે મને છોડવવાનો પ્રયત્ન કરશો નહિ. આપ અહીં મારી પાસે આવો, એટલે આ૫નાં સ્ત્રીપુત્ર ક્યાં છે, તે વિશે આપને હું ગુપ્ત માહિતી આપી દઉં. તે સાંભળો અને તેમને બચાવવાના પ્રયત્ન કરો. આપ જો વધારે વાર અહીં ખોટી થશો, તો આપના શિરપર પણ કોણ જાણે શું સંકટ આવશે, એનો નિયમ નથી. આપણો સર્વથા અને જડમૂળથી નાશ કરવામાટે જ આ બધો પ્રપંચ રચાયો છે. મેં જો આપને ત્યાં આવીને કાંઈપણ પૃચ્છા કરી હોત, તો આ૫ ૫ણ જાગૃત થઈ શક્યા હોત, પરંતુ હું અંધ અને બુદ્ધિશૂન્ય બની ગએલો હોવાથી બીજા જ વિચારોના પ્રવાહમાં તણાઈ ગયો અને આપને કાંઈ પણ ન પૂછતાં નિઃશંક તેમને આજ્ઞા આપીને તેમના કપટજાળમાં ફસાઈ રાજવંશના ઘાતનો હેતુ થયો. એ મારા દુષ્કૃત્યની ક્ષિક્ષા મને મળવી જ જોઈએ. માટે અમાત્યરાજ ! કૃપા કરીને મને આ પ્રાયશ્ચિત્ત - દેહાંત પ્રાયશ્ચિત્ત ભોગવવા દો.”

એ ભાષણ સાંભળીને અમાત્યના મનમાં ઘણું જ આશ્ચર્ય થયું. પરંતુ એવી રીતે આશ્ચર્યમાં પડી ચૂપ થઈ બેસી રહેવાનો એ સમય હતો નહિ. એટલે તેણે ચન્દનદાસને કહ્યું કે, “ચન્દનદાસ ! ગમે તેમ થયું હોય, પણ હવે તારે જીવપર ઉદાર થવાનું કાંઈપણ કારણ નથી. હું તને જેમ કહું છું તેમ તું કર. મારી પત્ની ક્યાં છે, તે તું મને જણાવ, એટલે હું તને આ જવાબદારીમાંથી મેાકળો કરી દઈશ. હું પ્રત્યક્ષ અહીં આવી પહોંચ્યો છું અને ચન્દ્રગુપ્ત જ્યારે મને પોતાને પણ કાંઈ શિક્ષા કરતો નથી, તો મારાં સ્ત્રી પુત્રને તે શું કરનાર છે? ચાંડાલો ! એને છોડી - છોડી મૂકો - મારાં સ્ત્રી પુત્રો ક્યાં છે, તે હું તમને જણાવું છું.”

“અમાત્યરાજ !” ચાંડાલે ઉત્તર આપ્યું, “અમે તો આજ્ઞાના દાસ. જો એને છોડવા માટે ચન્દ્રગુપ્ત મહારાજની આજ્ઞા મળે, તો પછી અમને