પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

મિત્રતા કરવી કે? ના - ના - એના કરતાં તો મિત્રનો વધ થાય, તો શું ખોટું ? ભલે તેમ થાય, પણ આ ચાંડાલોના મંડળમાં તો શામેલ ન જ થવું” એવા અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં અંતે રાક્ષસે એવો નિશ્ચય કર્યો કે, “મારી પ્રતિજ્ઞાના પાલન માટે ચન્દનદાસ અને તેની પત્નીનું બલિદાન અપાય તો તે માટે ચિન્તા નથી; પરંતુ કોઈપણ રીતે પ્રતિજ્ઞાનો ભંગ તો ન જ કરવો. ચન્દનદાસને છોડવવાથી જો સંકટ ટળી જતું હોય, તે પણ તે આવી રીતે ટાળવું ઇષ્ટ નથી.” એવો નિશ્ચય કરીને રાક્ષસ ચન્દનદાસ પ્રતિ વળ્યો અને તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “તારા મૃત્યુના પ્રસંગને ટાળવા માટે ગમે તેવું સંકટ હું મારા શિરે વ્હોરી લેવાને તૈયાર છું, પરંતુ રાજદ્રોહી, રાજઘાતક અને વિશ્વાસઘાતક પુરુષોની સેવા સ્વીકાર્યા વિના તારું સંકટ ટળે તેમ નથી, અને તે સ્વીકારવાની મારી ઇચ્છા નથી. માટે હવે ભગવાન કૈલાસનાથનું સ્મરણ કરીને આવેલા મૃત્યુને માન આપવાની તૈયારી કર. હવે બીજું હું તને કશું પણ કહી શકતો નથી. હવે મારો કોઈપણ ઉપાય નથી. ગમે તો અજાણપણે, પણ તું આ રાજઘાતક લોકોના ક૫ટપાશમાં સ૫ડાયો, પોતાના ઘરમાંથી ભોંયરું કાઢવા માટે અનુમોદન આપ્યું અને અપરાધ કર્યો, તે તેનું આ શાસન મળે છે, એમ જ ધારીને તારે મનમાં સંતોષ માનવો. અત્યારે હવે એ જ કર્તવ્ય છે.”

રાક્ષસનો એ નિશ્ચય જાણીને ચન્દ્રગુપ્ત તથા ભાગુરાયણ બન્ને આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાનાં સ્ત્રીપુત્રોના રક્ષણમાટે એક ખરા મિત્રનો વધ થાય છે, એ જોઇને અવશ્ય રાક્ષસનું હૃદય પીગળી જશે અને તેથી આપણી બધી માગણીઓ એ કબૂલ રાખશે, એવી તેમની ધારણા હતી. પરંતુ તે ધારણા તેમને નિષ્ફળ થતી દેખાઈ. હવે કોઈપણ પ્રકારે રાક્ષસ આપણા પક્ષમાં આવે, એ શક્ય નથી, એમ હવે સ્પષ્ટતાથી તેમને ભાસવા લાગ્યું. આર્ય ચાણક્યે અત્યારસુધીમાં રાક્ષસને પોતાના પક્ષમાં તાણવા માટે અનેક પ્રયત્ન કર્યા, પણ તે સઘળા નિરર્થક નિવડ્યા. હવે એ જો પોતાના પક્ષમાં ન જ આવે, તો બહાર જઇને અનેક ઉપદ્રવ જગાડશે, માટે એને કોઈપણ રીતે પુષ્પપુરીમાં જ અટકાવી રાખવો, એ જ ઉપાય હવે તેમની પાસે અવશિષ્ટ રહ્યો હતો. રાક્ષસ જો બહાર નીકળી જાય, તો મગધદેશના શત્રુઓને મળીને ચઢાઈ કરે, એ નિશ્ચિત જ હતું. માટે જો એ સંકટને ટાળવું હોય, તો તેને પુષ્પપુરીમાંથી બહાર નીકળતા અટકાવવો જ જોઇએ. પર્વતેશ્વર સાથે મળી જઇને એણે જ નન્દવંશનો નાશ કરાવ્યો, એ અફવા ઉડાવવાનું કામ જેટલું સહેલું હતું, તેટલું લોકો સમક્ષ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરવાનું કાર્ય સરળ હતું નહિ.