પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧
સંવાહક.

કરી. તેણે પોતાના એક સંવાહકને શાકલાયન પાસે મોકલ્યો અને સંદેશો કહેવડાવ્યો કે, “આ અમારો સંવાહક પોતાની કળામાં ઘણો જ કુશળ છે. માટે આપના શરીરમાં પ્રવાસના શ્રમથી જે પીડા થતી હશે, તે એના કૌશલ્યથી સર્વથા ટળી જશે. શ્રમના કારણથી આખો દિવસ આપ ઓરડો મૂકીને બહાર પણ નથી નીકળ્યા, એવા સમાચાર મળવાથી જ ખાસ આ મનુષ્યને અમે મોકલેલો છે. માટે એની સેવાનો આપે અવશ્ય લાભ લેવો.”

સંવાહકનું આગમન થતાં જ તેની મુખમુદ્રાનું શાકલાયને ધ્યાનપૂર્વક અવલોકન કર્યું અને તેના મનમાં ત્વરિત વિચાર આવ્યો કે, “સંવાહકો બહુધા ઘણા જ ચતુર હોય છે. માટે જો આને મારે ત્યાં રાખીશ, તો મારી બધી વાતો એ જઈને રાજાને કહી દેશે; એટલે એને અહીં તો ન જ રાખવો.” પણ પાછો શીઘ્ર જ તેનો એ વિચાર ફરી ગયો અને તેને ભાસ્યું કે, “એ લોકો જેવા બહુ બોલકણા અને ગપ્પાબાજ પણ બીજા કોઈ હોતા નથી, એટલે વાત પરથી વાત કાઢીને અહીંની વસ્તુસ્થિતિ શી છે, તે એના મુખેથી સહજમાં જ જાણી શકાશે. એને જરાક ચઢાવ્યો, એટલે પછી એ બધું જ ઓકી કાઢવાનો માટે એને અહીં રાખીને બને તેટલો હેતુ સિદ્ધ કરી લેવો - એ જ વધારે ઇષ્ટ છે.”

એવો વિચાર કરીને શાકલાયને તે સંવાહકને પોતા પાસે રાખ્યો; એટલું જ નહિ, પણ પોતાના અંગનો શ્રમ કાઢી નાંખવા માટે તેણે તેને સંવાહનકર્મ કરવાની આજ્ઞા પણ કરી. એનો હેતુ એટલો જ કે, તે શરીર દાબતો હોય, તે વેળાએ અહીં તહીંના પ્રશ્નો પૂછીને પોતાને જોઈતી વાતો તેની પાસેથી કાઢી શકાય, સંવાહક પણ પોતાને આવતાં જ સેવા કરવાની આજ્ઞા મળવાથી સંતોષ પામીને કહેવા લાગ્યો કે, “મહારાજ ! મારી સેવાનો આ૫ લાભ લેશો, એ જાણીને મને એટલો બધો આનન્દ થયો કે, તેનું આ મુખથી વર્ણન પણ કરી શકતો નથી. હવે આપનો થાક ઉતરી જ ગયો, એમ આપે નિશ્ચિત જાણવું. ધનાનન્દ મહારાજ પોતે પણ મારી સેવાનો જ સ્વીકાર કરતા હતા, હું તેમનું અંગ દાબવાને બેઠો, કે તરત મુરાદેવીને પણ તેઓ એમ કહીને ચીડવતા હતા કે, “તારા હાથ કરતાં પણ આ સંમર્દકના હાથ વધારે કોમળ છે. મહારાજના એ શબ્દોથી મુરાદેવી એટલાં ચીડાતાં હતાં કે, ન પૂછો વાત. પછી મહારાજ હસતા હતા. એ જ મુરાદેવીએ અમારો બધાનો ઘાત કર્યો. સંસારના આવા વ્યવહારને શું નામ આપવું? એના જ પાપથી મહારાજનો ઘાત થયો. એવી તે મહા દુષ્ટ સ્ત્રી હતી. એનો જે હું સમગ્ર વૃત્તાન્ત આ૫ને કહી સંભળાવું તો આખો દિવસ