પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫
સંવાહક.

કે, પુષ્પપુરીમાંનો પ્રત્યેક મનુષ્ય જાસૂસ છે અને તે પેલા દુષ્ટ બ્રાહ્મણ- ચાણક્યને જ્યાં જ્યાં જે જે વાત બને છે, તે સઘળી જઈને કહી સંભળાવે છે. માટે આવી કોઈ વાત વિશે દયા કરીને આપ મને કાંઈપણ પૂછશો નહિ. હું આપને એનું ઉત્તર પણ આપીશ નહિ. આપ પોતાની જે કાંઈ પણ સેવા કરવાની મને આજ્ઞા કરો, તે સેવા કરવાનું મારું કર્તવ્ય છે અને તે હું અહોરાત્ર કરીશ.” સંવાહકે પોતાનો ભાવ વધાર્યો.

“સંવાહક ! તારી આવી સાવધતાથી મને ઘણો જ સંતોષ થયો છે; માટે લે આ બીજું કડું પણ પહેરી લે. હું તને લોભ દેખાડું છું, એમ આથી તારે સમજવાનું નથી, પરંતુ તારી પાસે આ મારું એક સ્મરણસૂચક ચિન્હ છે, એમ જ ધારવાનું છે. અત્યારે અહીં તારા અને મારા વિના બીજું કોઈ પણ હાજર નથી, તો પછી એ વાત કહેવામાં આટલી બધી આનાકાની શામાટે કરે છે? શંકાનો ત્યાગ કરીને જે હોય તે જણાવી દે ” શાકલાયને પોતાના હેતુની સિદ્ધિનો યત્ન કર્યો.

“શું કહું, સ્વામિન્ ! આપનો જ્યારે આટલો બધો આગ્રહ છે ત્યારે કહ્યા વિના છૂટકો નથી. પણ મારી આ વાત જો બહાર નીકળવા પામશે, તો અવશ્ય મારા પ્રાણનો નાશ થશે, એનો વિચાર કરજો.” સંવાહકે સૂચના આપી.

“હું એની પૂરેપૂરી સંભાળ રાખીશ.” શાકલાયને આશ્વાસન આપ્યું.

“ત્યારે સ્વામિન્ ! સાંભળો. અમાત્ય રાક્ષસ જો તમને મળે, તો કાંઈ પણ ઉપાય થઈ શકે. એનું કારણ એમ છે કે, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણે મળી ખેાટાં પત્રો લખ્યાં અને તમારા રાજાને અહીં બોલાવ્યો. એ પત્રો હતાં તો જોકે બધાં રાક્ષસના નામનાં, પણ બધાં હતાં બનાવટી જ. રાક્ષસને તો એની ખબર પણ હતી નહિ, પર્વતેશ્વર મહારાજને એવી રીતે પ્રપંચથી બોલાવીને પછી તેમણે તેમની વિનાકારણ ફજેતી કરી. અહીંના લોકોનો પણ એવો જ અભિપ્રાય થઈ ગયો કે, આ બધું રાક્ષસનું જ કારસ્થાન હતું. એટલે કે, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણે રાક્ષસને પર્વતેશ્વર સમક્ષ અને લોકોમાં ઉભય સ્થળે હલકો પાડ્યો. જો આપનામાં કાંઈપણ ચતુરતા હોય, તો અત્યારે રાક્ષસને પોતાના પક્ષમાં વાળી લ્યો. લોકોના મનમાં પ્રથમ તો જો કે રાક્ષસવિશે ઘણો જ દોષ ઉત્પન્ન થયો હતો, તોપણ જેમ જેમ દિવસ વીતતા જાય છે, તેમ તેમ ચાણક્ય આદિનાં કારસ્થાનો ઉઘાડાં પડતાં જાય છે અને તેથી એમણે જ એ ભયંકર વ્યૂહની રચના કરીને વિના કારણ રાક્ષસના શિરે દોષારોપ કર્યો હતો, એવો તેમનો નિશ્ચય