પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
રાક્ષસ અને શાકલાયન.

ચાલ્યો જઈશ, તો લોકોના મનમાં ઉપજાવેલા એમના ખોટા વિચારો દિન પ્રતિદિન વધારે અને વધારે મજબૂત થતા જશે, અને તેથી ભવિષ્યમાં મારી એક પણ ઇચ્છા પૂરી થવાનો સંભવ રહેશે નહિ. માટે અહીં રહેવું, એ જ પરિણામે વધારે હિતકારક છે.”

એવો લાંબો વિચાર કરીને જ રાક્ષસ પાછો પોતાના ઘરમાં આવીને રહ્યો હતો. માત્ર પોતાની આસપાસ કયા કયા લોકો છે અને તેઓ કેવા વર્તનના મનુષ્યો છે, એ બધાની સારી રીતે તપાસ રાખીને જ તેણે પોતાનો વ્યવહાર પાછો ચાલૂ કર્યો હતો. આ વેળાએ હિરણ્યગુપ્ત તેના પરિવાર વર્ગમાં હતો નહિ. તેને એકવાર શોધી કાઢીને તેના મુખથી ખરેખરો વૃત્તાંત સાંભળી લેવાની રાક્ષસની ઘણી જ ઇચ્છા હતી. પરંતુ તે તો કોણ જાણે ક્યાંનો ક્યાંય ચાલ્યો ગયો હતો અથવા તો કોઈએ તેને ભગાવી દીધો હતો. “હું અહીં જ હાજર છતાં મારા નામથી અનેક કાર્યભાર થઈ જાય, મારા વિશ્વાસુ મનુષ્યો જ મારાથી વિરુદ્ધ થાય અને તેમના હસ્તે રાજવંશ સંહારાય; છતાં પણ મને એમાંનું કશું પણ ન જણાય, એના કરતાં વધારે લજ્જાસ્પદ વાર્તા તે બીજી કઈ કહેવાય?” એવા વિચારો રાક્ષસના મનમાં વારંવાર આવતા હતા અને તેથી તે મનમાંને મનમાં જ બળ્યા કરતો હતો. પરંતુ એમ બળવાથી શો લાભ થઈ શકે ? કાંઈ પણ કર્તવ્ય કરવું જોઈએ: એવા હેતુથી તેણે વિચાર કર્યો કે, “આપણે તો ઘરમાં જ રહેવું અને દૂરથી સૂત્રસંચાર કરવો. પછી જોઈએ કે શું થાય છે તે !” રાક્ષસનું ઘર જ્યારે પાસે આવ્યું, ત્યારે તે સંમર્દક શાકલાયનને ઉદ્દેશી કહેવા લાગ્યો કે, “મહારાજ! આપને મારે એક મહત્વની વિનતિ કરવાની છે. તે એ કે, મને ચાણક્ય અથવા ચન્દ્રગુપ્તે આ૫ની સેવા માટે મોકલ્યો હતો, એ વાત આપ રાક્ષસને જણાવશો નહિ. જો એ વાત કહી દેશો, તો આપનું જરાપણ કાર્ય સિદ્ધ થશે નહિ. મને ચાણક્યે મોકલ્યો હતો, એ જો રાક્ષસના જાણવામાં આવ્યું, તો અવશ્ય તેના મનમાં શંકા આવશે કે, હું આપને કાંઈક ભેદથી એને ત્યાં લઈ આવ્યો હોઈશ. માટે જો આપ એવું કાંઈ બોલશો નહિ, તો બધું કાર્ય યથાસ્થિત પાર પડશે.” સંવાહકનો એ ઉપદેશ શાકલાયનને સયુક્તિક દેખાયો અને તેણે તેવું કાંઈ પણ ન બોલવાનું કબૂલ કર્યું.

સંવાહક અને વેશધારી સંવાહક શાકલાયન રાક્ષસને ઘેર જઈ પહોંચ્યા. ત્યાં પ્રથમ અંત:પ્રવેશ કરવામાં અને રાક્ષસ પર્યન્ત પોતાના આગમનના સમાચાર પહોંચાડવામાં ઘણી જ પંચાત થઈ પડી. કારણ કે, “કોઈપણ નવીન મનુષ્ય આવે, તો પ્રથમ તેની પૂછપરછ કર્યા વિના તેને અંદર