પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


પ્રકરણ ૪૧ મું.
રાક્ષસ અને ચાણક્ય

રાક્ષસ પોતાના મંદિરમાં ચિંતામાં નિમગ્ન થએલો બેઠો હતો. પોતાની આવી દુર્દશા શાથી થઈ એનો વિચાર સદાના નિયમ પ્રમાણે તેના મનમાં ચાલતો હતો, “હું આવો અંધ કેમ બની ગયો ? હું પુષ્પપુરીમાં જીવતો જાગતો બેઠેલો છતાં એકાએક આટલો મોટો ભયંકર પ્રાણનાશ - રાજકુળનો પ્રાણનાશ કરવાનો વ્યૂહ મારા જાણવામાં ન આવી શકે, તેવી રીતે મારાં જ માણસોને ફોડીને રચ્યો અને તેને યથાસ્થિત પાર પાડ્યો, તે મનુષ્ય કેટલો બધો મહાન્ બુદ્ધિમાન્ હોવો જોઇએ ! અને તેના પ્રમાણમાં હું કેટલો બધો દુર્બળ, કેટલો બધો મૂર્ખ!!” એવા વિચારો એક પછી એક રાક્ષસના મનમાં આવતા જતા હતા. “જે દિવસે રાજા ધનાનન્દ મુરાદેવીના મહાલયમાં ગયા, તે દિવસથી જ રાજાના નાશનું બીજ રોપાઈ ચૂક્યું હતું. કુમાર સુમાલ્યનો જે દિવસે રાજ્યાભિષેક થયો, તે દિવસે બીજાં બંદિવાનો સાથે મુરાદેવી - દુષ્ટ મુરાને પણ બંધનમુક્ત કરવામાં આવી, એ જ પ્રથમ મોટી ભૂલ થઈ, પરંતુ એને ભૂલ પણ કેમ કહી શકાય? કારણ કે, મુરા આટલાં અને આવાં ભયંકર કાવત્રાં રચશે, એની કોઇને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ. ઠીક - જે થવાનું હતું તે થયું. પણ હવે શું કરવું? આજે આટઆટલાં વર્ષો થયાં જે યવનોને દૂરના દૂર રાખ્યા છે અને મગધદેશમાં જેમનો પદસંચાર થવા દીધો નથી, તેમને અહીં પ્રવેશ કરવાનો આ સ્વાભાવિક પ્રસંગ મળશે કે શું? પર્વતેશ્વરને ખોટાં પત્ર લખી તે થોડા સૈન્ય સાથે આવે એવી યુક્તિ રચીને તેને પકડ્યો, એ કાર્ય જેટલું સરળ હતું, તેટલું સરળ પોતાના પિતાને વિશ્વાસઘાતથી પકડવા માટે એમના પારિ૫ત્યની પ્રતિજ્ઞા લઈ બેઠેલો મલયકેતુ સલૂક્ષસના સહાયક સૈન્ય સાથે મગધપર ચઢાઈ કરશે, તેને પાછો હાંકી કાઢવાનું કાર્ય નથી. તેને પાછો હાંકી કાઢવા જેટલી સેના મગધમાં નથી, એમ નથી – સેના વિપુલ છે; પરંતુ હમણાંના ચમત્કારિક પ્રસંગે એકલા ભાગુરાયણથી સૈન્યની વ્યવસ્થા જોઇએ તેવી કરી શકાશે કે નહિ, એની શંકા છે.” રાક્ષસના હસ્તમાં અત્યારે કોઈ પણ પ્રકારની સત્તા હતી નહિ. જેવી રીતે દર્ભને ઉખેડી નાંખવામાં આવે છે, તેવી રીતે ચાણક્યે તેને રાજયવ્યવસ્થાની સત્તામાંથી ઉખેડીને દૂર નાંખી દીધો હતો. પરંતુ મગધદેશપર આપત્તિ આવવાના ચિન્હો દેખાતાં જ તેના હૃદયના ચૂરેચૂરા થવા લાગ્યા. હવે શો ઉપાય કરવો, એની તેને સૂઝ ન પડી. ચન્દ્રગુપ્તને મગધના રાજા તરીકે માન્ય કરીને તેને સહાયતા કરવાની વાત તો તેના મનમાં આવી જ નહિ.