આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
દરિદ્રી બ્રાહ્મણ.

કુલપતિ એ નામને યોગ્ય કોઈ પણ ઋષિ હોય, તો તે એ ચાણકય જ હતો, એ સર્વથા નિર્વિવાદ છે. સો બસો વિદ્યાર્થીઓ સદા તેના આશ્રમમાં ભણતા જ રહેતા હતા-ઉપરાંત એ વિઘાર્થીઓ પાસેથી શિક્ષણ લેનારા બીજા વિદ્યાર્થીઓ હોય, તે તો જૂદા જ. એ વિઘાર્થીઓમાંના સઘળા બ્રહ્મવિદ્યા શીખનારા જ હતા, એમ નહોતું; કિન્તુ અસ્ત્રવિદ્યા અને ધનુર્વેદ, તેમજ આયુર્વેદ, કાશ્યપસંહિતા ઈત્યાદિકનું શિક્ષણ લેનારા બ્રાહ્મણ અને ક્ષત્રિય શિષ્યો પણ એ આશ્રમમાં હતા. સારાંશ કે, પુરાણાન્તરે વસિષ્ઠ, વાલ્મીકિ અને વિશ્વામિત્ર ઇત્યાદિ મહર્ષિઓના આશ્રમોનું જે વર્ણન કરેલું છે તે પ્રમાણે જ આબેહૂબ એ ચાણકયાશ્રમની સર્વ વ્યવસ્થા જોવામાં આવતી હતી. “પ્રાચીન કાળના વસિષ્ઠ વામદેવ પ્રમાણે જ મારી યોગ્યતા છે.” એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય હતો. એટલું જ નહિ, પણ “વિશ્વામિત્ર પ્રમાણે જ કોઈ એક ક્ષત્રિય વીરને હસ્તગત કરીને તેના હસ્તે રામાયણમાં વર્ણવેલાં પરાક્રમો જેવાં પરાક્રમો કરાવીશ - એક મહાન્ સામ્રાજય સ્થપાવીશ, પૃથ્વીનો વિજય કરવા માટે અશ્વમેધ યજ્ઞ કરાવીશ અને અસંખ્ય માંડળિકોને નમાવી તેમના મુકુટોમાંનાં રત્નોના પ્રકાશથી તેનાં ચરણના નખો રંગાવીશ. રામચંદ્ર ઈશ્વરનો અવતાર અને અયોધ્યા જેવી નગરીનો પ્રથમથી જ રાજા, એટલે એના જેવા એક મહાન્ પુરુષને વિશ્વામિત્રે સર્વ વિદ્યાઓનું શિક્ષણ આપીને તેને અનેક પરાક્રમો કરવાને સમર્થ બનાવ્યો, એમાં કાંઈ વિશેષતા નથી. પણ હું જે કોઈ રાજ્યનો અધિકારી નથી અને જેની પાસે બીજું પણ કોઈ સાધન નથી એવા ક્ષત્રિયપુત્રને હસ્તગત કરીને તેના હસ્તે જ સમસ્ત આર્યાવર્તમાં, માત્ર એક જ મહાન્ રાજ્યની સ્થાપના કરીને તેને સાર્વભૌમ બનાવીશ ! મગધદેશના રાજાએ વિનાકારણ મારું અપમાન કર્યું છે, મારી યોગ્યતા જાણી નથી અને મત્સરથી ભરેલા ક્ષુદ્ર બ્રાહ્મણોની દુષ્ટ વાણી સાંભળીને મારી અવહેલના કરી છે; તે મગધદેશના રાજાના કુળનું સમૂલ ઉચ્છેદન કરીને તેના સિંહાસને હું આ મારા ક્ષત્રિય કિશોરને બેસાડીશ.” એવા પ્રકારના ઉદ્દગારો તે આશ્રમના કુલપતિના મુખમાંથી વારંવાર નીકળતા હતા. અને એ જ બુદ્ધિથી તે ખરેખર એક કિશેાર વયના પરંતુ તેજસ્વી ક્ષત્રિય કુમારને અને તેની સાથે હિમાલયમાંનાં નાનાં નાનાં માંડલિક રાજ્યોમાંના કેટલાક ક્ષત્રિય અને ભિલ્લ કુમારોને પણ પોતાના આશ્રમમાં લાવીને તેમને ધનુર્વિદ્યાનું અને શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપતો હતો. એમાં અધિક સંતોષની વાત તો એ હતી કે, તે સર્વ કુમારો મહા આનંદ અને ઉત્સાહથી પોતાના ગુરુ પાસેથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોના પ્રાયોગિક અને શાસ્ત્રીય પાઠ લેતા હતા. પ્રતિદિવસે તેમની વિદ્યાની વૃદ્ધિ