આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
પ્રયાણ.

પોતાના વંશના એક મહાવીર પુરુષનું રક્ષણ કર્યું, માટે તે દરિદ્રી બ્રાહ્મણે એ બાળકનું ચન્દ્રગુપ્ત નામ રાખ્યું. અને “જે નામ ધારીને ધનાનન્દની રાજસભામાં જતાં મારા માનનો ભંગ થયો હતો, તે નામ એ માનભંગનું પૂર્ણપણે પરિમાર્જન થાય, ત્યાં સુધી છૂપાવી રાખવું જોઈએ અને કોઈ નવું જ નામ ધારણ કરવું જોઈએ; અને જે દિવસે હિરણ્યગુપ્ત ઉર્ફે ધનાનન્દને મગધ દેશના સિંહાસન પરથી નીચે પટકી પાડીશ, તે જ દિવસે મારા પ્રથમ નામનો મારા મુખથી ઉચ્ચાર કરીશ અથવા તો બીજાના મુખથી કરાયલો ઉચ્ચાર સાંભળીશ.” એવી પ્રતિજ્ઞા તે બ્રાહ્મણે કરી. એ બ્રાહ્મણ મહાન કાર્યકર્તા અને તેજસ્વી હતો. તે ગોવળિયા પાસેથી બાળકને માગી લીધા પછી તે પાછો તક્ષશિલા નગરીમાં ગયો નહિ, કિન્તુ ત્યાંથી કેટલાક અંતરપર આવેલા હિમાલયના એક ઉચ્ચ અને અંતર્ભાગમાં જઈને ઉપર કહેલી મરુદ્વતી નદીના તીરે તેણે એક નાની પર્ણકુટી બાંધી અને ત્યાં પોતાના કરી લીધેલા તે બાળકને શસ્ત્ર અને અસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવા માંડ્યું, “આ એક જ બાળકને ગમે તેટલું શિક્ષણ આપવા છતાં પણ માત્ર એ એકલાની જ સહાયતાથી મારું ઈષ્ટકાર્ય સાધ્ય કેમ થશે ?” એ વિચાર તે બ્રાહ્મણના મનમાં આવ્યો જ. પરંતુ તેનો ઉત્સાહ મહાન્, નિશ્ચય દૃઢ અને પોતાના કાર્ય કરવાના ચાતુર્યમાં વિશ્વાસ અપાર હતો, અર્થાત્ એવા મનસ્વી મનુષ્યને નિરાશા સ્પર્શ પણ ક્યાંથી કરી શકે ? “જેવી રીતે ભગવાન્ રામચંદ્રે દક્ષિણમાંના વાનરોની સહાયતા લઈને રાવણ જેવા પ્રબળ શત્રુનો સંહાર કર્યો, તેવી રીતે હું પણ મારા આ ક્ષત્રિય વીરને હિમાલયમાંના ભિલ્લ, માતંગ, ચાંડાલ ઈત્યાદિ હીન જાતિમાં ગણાતા લોકોની સહાયતા અપાવીને ચાંડાલ કરતાં પણ નીચ એવા એ મગધદેશના રાજકુળનો નિપાત કરાવીશ.” એવી આશા તેણે ધારી અને તેની સફળતા કરવા માટે ભિલ્લ, માતંગ અને ચાંડાલ ઈત્યાદિ લોકોની નીચતાનો વિચાર ન કરતાં પોતાના આશીર્વાદથી તેમને પુનિત - શુદ્ધ કરીને શસ્ત્રાસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવાનો એકસરખો સપાટો ચલાવ્યો. એવામાં સત્વર જ તેની વિદ્વત્તાની પણ સર્વત્ર ખ્યાતિ થવાથી જ્યાં ત્યાંથી બ્રાહ્મણુપુત્રો પણ તેના આશ્રમમાં અધ્યયન કરવાને આવવા લાગ્યા. એવી રીતે એ પર્ણકુટી ઉભી કરવાને એક વર્ષ થયું ન થયું, એટલામાં તે ચાણક્યાશ્રમની અને તેના કુલપતિની કીર્તિનો સમસ્ત હિમાચલ પ્રદેશમાં પ્રસાર થઈ ગયો.

અસ્તુ; હવે પછીને માટે શી વ્યવસ્થા કરવી ? એ વિચારમાં તેનું મન રોકાયેલું હતું. એવી સ્થિતિમાં મધ્યાન્હ સમયે ચાણક્ય પોતાના સ્નાન કરવાના સ્થાન પ્રતિ ચાલ્યો જતો હતો, એ ઉપર કહેલું જ છે.