આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
પાટલિપુત્ર.

ધનાનન્દના રાજ્યના સ્વામી બની બેસવાની મહત્વાકાંક્ષા થઈ આવતી હતી, પરંતુ “જ્યાં સૂધી મગધદેશનું રાજ્ય રાક્ષસ ચલાવે છે, ત્યાંસુધી આપણી મહત્વાકાંક્ષાને મનમાં જ રહેવા દેવી જોઈએ. જો તેને સિદ્ધ કરવાનો યત્ન આદરીશું તો આપણું છે તેટલું રાજ્ય પણ ચાલ્યું જશે અને અંતે ભિક્ષાવૃત્તિનો પ્રસંગ આવી પહોંચશે.” એવા વિચારથી તેઓ છાનામાના બેસી રહેતા હતા. મગધદેશમાં જો તે વેળા એ રાક્ષસ અમાત્ય ન હોત તો ધનાનન્દના રાજ્યનો ક્યારનોએ નાશ થઈ ગયો હોત અને તેને સ્થાને કંગ કિંવા કલિંગ દેશનો ભૂપાલ એ દેશમાં રાજ્ય કરવા લાગ્યો હોત ધનાનન્દની એવી સ્થિતિ હોવાના કારણથી તેની પ્રજા પોતાના રાજાને કેટલી અને કેવીક આદરબુદ્ધિથી જોતી હશે, એની કલ્પના વાંચકોએ જ કરી લેવી. ખરેખર જો યુદ્ધનો કોઈ પ્રસંગ આવ્યો હોત, તો લોકો ધનાનન્દને છોડીને શત્રુઓને જઈ મળ્યા હોત કે નહિ? એ પ્રશ્ન જુદો છે - કદાચિત્ તેઓ પોતાના જ રાજાના પક્ષમાં રહ્યા હોત અને સ્વરાજ્ય અને સ્વરાજ્યના અધિપતિના રક્ષણ માટે તેમણે તનમનથી પ્રયત્નો કર્યા હોત, પરંતુ વસ્તુતઃ સમસ્ત પ્રજાનો એક રાજામાં જેવો પ્રેમ હોવો જોઈએ તેવો તેનો પ્રેમ ધનાનન્દમાં નહોતો જ, એમ કહેવામાં અતિશયોક્તિ જેવું કાંઈ પણ નથી. કેટલાકો તો તેને પ્રજાપીડ પ્રજાપતિની ઉપમા પણ આપતા હતા. તે હૃદયશુન્ય અને બુદ્ધિહીન પ્રજાપાલ હતો.

એ વર્ણન તો જાણે ધનાનન્દ વિશે થયું. રાજા એ પ્રમાણે ક્ષીણ ચિત્તનો અને વ્યસની હોય, તો તેના રાજપુત્રો કેવા હોવા જોઈએ, એનું સાધારણ રીતે વાંચકો સહજમાં જ અનુમાન કરી શકે તેમ છે. તેના પુત્રો “બાપથી બેટા સવાઇ.” એ કહેવત પ્રમાણે કેટલીક બાબતોમાં ધનાનન્દ કરતાં પણ ચાર ડગલાં આગળ વધેલા હતા. રાક્ષસના ભાર બોજને લીધે એક મંત્રિમંડળ માત્ર સર્વથા નિષ્કલંક રહેલું હતું અને તેથી જ મગધદેશના રાજાની અને રાજસભાની કીર્તિનો દૂર દૂરના દેશોમાં પણ પ્રસાર થએલો હતો. પરંતુ રાજસભામાંના પંડિતો વગેરે સ્વાર્થીજનો રાજાના મનને પોતાની ઇચ્છા અનુસાર ફેરવવા માટે તેટલા પ્રમાણમાં જ ખટપટો કર્યા કરતા હતા અને તેમની એ ખટપટો કેવી રીતે ફળીભૂત થતી હતી, એનું થોડુંક ઉદાહરણ વાંચકોને ઉપક્રમના પૂર્વાર્ધમાં મળી ચૂક્યું છે, માટે વિશેષ વિવેચનની આવશ્યકતા નથી.

સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ પાટલિપુત્ર નગર દિગંતવિખ્યાત હતું અને તે કેટલાંક ખ્યાતિનાં યોગ્ય કારણો પણ હતાં. પાટલિપુત્ર એક ઘણું જ વિસ્તીર્ણ નગર હતું અને ત્યાંની લોકવસતિની સંખ્યા પણ ઘણી જ મોટી હતી.