આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
મુરાદેવી.

અક્ષર સર્વ કાર્ય કરીશ. આર્યપુત્રનો અનુરાગ પાછો મેળવીશ અને હું ઇચ્છીશ તે તેના હાથે કરાવીશ, એમાં તિલમાત્ર પણ શંકા નથી. રાજરાણીઓમાંની એકના પણ પુત્રને હું રાજ્યાસન ભોગવવા દઈશ નહિ. કિરાત વંશના ધનુર્ધરને અહીં લાવીને મહારાજને હસ્તે તેને જ રાજ્યનો અધિકારી બનાવીશ. જો મહારાજે તેને પોતાના પછી મગધરાજની પદવી આપવામાં કાંઈ પણ આનાકાની કરી, તો તેને પણ સિંહાસન પરથી દૂર કરીને તેને આસનનો અધિકારી બનાવીશ જ.

“મારા શરીરમાં આજે કોઈ દૈવીશક્તિએ સંચાર કરેલો છે, એમ જ તારે સમજવાનું છે. હું પૂર્વે જે મુરાદેવી હતી તે મુરા નથી. મારામાં વૃષલીત્વની સ્થા૫ના કરીને મારો જે છળ કરવામાં આવ્યો છે અને જેમના દ્વેષથી મારા પુત્રનો ઘાત થયો છે, તે સર્વ રાજમહિલાઓને વૃષલી બનાવીશ. તેમને દાસીઓની પણ દાસીઓ બનાવીશ - એના કરતાં વધારે હવે હું કાંઈ પણ બોલી શકતી નથી. ચાલ - તારી સાથે હું આવું છું. મારા શોકને હું છૂપાવી રાખું છું, કોપને દેશનિકાલ કરું છું અને દુ:ખથી મ્લાન થએલા મુખને મંદ સુહાસ્યથી વિલસિત કરું છું. હમણા સુધી વ્યર્થ ગાલિપ્રદાન અને શાપ આપવામાં રોકાયલી જિહ્વાને હું નાના પ્રકારના અભિનંદન પ્રદર્શક નાગરિક ભાષણો કરનારી બનાવી દઈશ. પરંતુ અંત:કરણમાં તો મારો ક્રોધ તેવી જ રીતે જાગૃત રહેવાનો, અને તેમાં રાખવું જોઈએ. તેટલું કપટવિષ ભરી રાખીને જ્યારે તેને બહાર કાઢવાની વેળા આવશે ત્યારે મધુર ભાષણરૂપી અમૃતમાં વીંટાળીને હું બહાર કાઢીશ. હવે પછીની અત્યંત કપટપટુ, સ્વાર્થ વિના બીજા કોઈપણ વિષયમાં જેની દૃષ્ટિ નથી એવી, જેનાં પ્રત્યેક ભાષણ, પ્રત્યેક ચલન, પ્રત્યેક વલન અને પ્રત્યેક વીક્ષણમાં માત્ર સ્વાર્થસાધનની જ ભાવના સમાયલી છે અને પોતાના વૈરીઓના નાશ માટે આર્યપુત્રને મોહજાળમાં ફસાવીને પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેક કાર્ય તેની સહાયતાથી સાધી લેવાને જે ઉદ્યુક્ત થએલી છે, એવી આ મુરાદેવીને તું પોતાની સ્વામિની તરીકે સ્વીકાર કર - મારી કુટિલ નીતિ જો તને ગમતી હોય, તો મારી સેવામાં રહે – નહિ તો બીજી સ્ત્રીઓ પ્રમાણે તું પણ મારી વૈરિણી થા. મારી સેવામાં તું રહી, તો કઈ વેળાએ કયું દુષ્કૃત્ય, અને કયું અનન્વિત કૃત્ય તારે કરવું પડશે, એનો નિયમ રહેવાનો નથી. જો-વિચાર કર.”

એ વાક્ય ઉચ્ચારતી વેળાએ મુરાદેવીની મુખચર્યામાં ખરેખર જ એક પ્રકારનો વિલક્ષણ ફેરફાર થઈ ગએલો દેખાતો હતો. તેની એવી બદલાયલી સ્થિતિને જોઈને વૃંદમાલા પણ ચકિત થઈ ગઈ અને એક ધ્યાનથી તેના