આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

મુખને જોઈ રહી. “મંથરાના અંગમાં જેવી રીતે કલિનો સંચાર થયો હતો, તેવી રીતે મુરાદેવીના શરીરમાં પણ ખરેખર તેવી જ કોઈ શક્તિનો સંચાર થએલો છે.” એવો વૃંદમાલાને ભાસ થયો - તેનાથી કાંઈ પણ બોલી શકાયું નહિ.


પ્રકરણ ૪ થું.
—₪₪₪₪—
બુદ્ધભિક્ષુ.

ચાણક્ય પોતાના આશ્રમને છોડી નીકળ્યા પછી કેટલેક દિવસે મગધદેશમાં આવી પહોંચ્યો. મગધદેશમાં આવતાં જ તેના મનમાં વિચારોની આ પ્રમાણેની પરંપરા ઉદ્‍ભવવા લાગી “મારા શિષ્ય દ્વારા મગધદેશને પરાજિત કરવાનો છે, પરંતુ એ કાર્ય, સૈન્ય લાવી ધનાનન્દનો પરાજય કરીને સાધી શકાય તેવું નથી. કારણ કે, મગધદેશનો સેનાપતિ અને તેનું સૈન્ય ઘણાં જ મોટાં અને અજેય છે. મારા શિષ્યની સેના એટલે ભિલ્લ, કિરાત અને એવા જે બીજા જંગલી લોકોની બનેલી સેના - તેમની પાસે ધનુષ્ય બાણ, પરશુ, કરવાલ ઈત્યાદિ હથિયારો ઉપરાન્ત બીજાં હથિયારો નથી અને તેમની સંખ્યા પણ ઘણી જ ઓછી છે. એવી સ્થિતિમાં સૈન્યને લાવી મગધદેશપર ચઢાઈ કરવી, એટલે પોતાનો નાશ પોતાના હાથે જ કરી લેવા જેવું છે. માટે મારે મગધદેશમાં રહીને અહીંની અંતર્વ્યવસ્થામાં કેટલો ભેદ થવો શક્ય છે, તે જોવું જોઈએ. કોઈ અલ્પ બળવાળા મનુષ્યની એક મજબૂત ઘરને તોડી પાડવાની ધારણા હોય, તો તેના પર બહારથી પ્રહાર કરવાને બદલે નીચેથી તેવા પાયાને નિર્બળ કરી રાખવાની પ્રથમ વ્યવસ્થા કરવી જોઈએ અને પછી પ્રહાર કરવો - એટલે એકદમ તે ઘર જમીનદોસ્ત થવાનું જ. એ યુક્તિ વિના ઇષ્ટ હેતુ સાધ્ય થઈ શકે તેમ નથી. અર્થાત્ ધનાનન્દના રાજ્ય પર ખુલ્લી રીતે આક્રમણ કરવા પહેલાં તેના અંદરના પાયાને કોતરીને પોકળ બનાવી દેવો જોઈએ. તેના જે આધારસ્તંભો હોય, તેમને કાઢી લેવા જોઈએ અને જે જે શક્તિમાન્ મનુષ્યોનો કોઈ પણ કારણથી રાજા ઉપર કોપ થએલો હોય, તે સર્વને વશ કરીને પોતાના પક્ષમાં લઈ લેવા જોઈએ. એવી રીતે અંદરની બધી વ્યવસ્થા થઈ કે, પછી બહારથી ફટકો લગાવવાનો જ વિલંબ. સારાંશ કે પછી આપણી ઇચ્છા પ્રમાણે ન થાય એવું કાંઈપણ નથી રહેવાનું. માટે મારે જે બુદ્ધિ પરાક્રમ કરવાનું છે, તે એટલું જ કે, પ્રથમ ધનાનન્દનાં મર્મસ્થાનો