આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
બુદ્ધભિક્ષુ.

મેં સમાધાનની ઘણીએ વાતો સંભળાવી; પણ ના; એક પણ વાત તેને ગળે ઉતરતી નથી. માટે હવે આ૫ જો યુક્તિ બતાવો તો થાય. ગૃહનાં છિદ્રો બીજાને કાને જાય તો સારું, એવા હેતુથી હું આવી નથી. આવા પ્રસંગે સલ્લાહ પૂછવાની હોય તે આપને નહિ, તો બીજા કોને પૂછું વારુ?”

વસુભૂતિનો હેતુ એવો હતો કે, ચાણક્યના દેખતાં વૃન્દમાલા એ ભેદને ન ઊધાડે તો વધારે સારું, અને પોતાનો એ હેતુ તેના ધ્યાનમાં આવે, તેટલા માટે એ ઊપર લખેલો ઉપદેશ જરાક કઠોર શબ્દોમાં અને વારંવાર ચાણક્ય પ્રતિ દૃષ્ટિ કરી કરીને તેણે તેને કહી સંભળાવ્યો હતો. પરંતુ “ચાણકય, તે મારા જેવો જ વસુભૂતિનો કોઈ ગુપ્ત શિષ્ય હશે.” એવી ધારણાથી તે મનોનિગ્રહ ન કરી શકી અને તેથી ચાણક્યના દેખતાં જ વસુભૂતિથી સમક્ષ તેણે પોતાના પેટની બધી વાતો એકદમ ઓકી નાખી. વસુભૂતિથી ચાણક્યને “તું ઉઠી જા” એમ પ્રત્યક્ષ રીતે કહી શકાય તેમ હતું નહિ, અને અપ્રત્યક્ષ રીતિથી સુચના આપી, તે તેણે ધ્યાનમાં લીધી નહિ. એથી અંતે તેના નિયંત્રણના પ્રયત્નને એક બાજૂએ મૂકીને તે બુદ્ધભિક્ષુ વૃન્દમાલાને કહેવા લાગ્યો કે, “વત્સે વૃન્દમાલે ! જો તારી સ્વામિનીના મનમાં કોઈ પણ પ્રકારે શાંતિ ન જ થતી હોય, તો એકવાર તેને અહીં લઈ આવ. અને તેમ ન થઈ શકે, તો ભગવાન તથાગતનો જે ઉપદેશ મેં તને આપેલો છે, તે તું તેને આપીને તેના મનને શાંત કર. બીજો હું શો ઉપાય બતાવી શકું? વત્સે ! તેં આજે મને જે સમાચાર આપ્યા છે, તેથી મારા હૃદયમાં ઘણી જ ચિન્તા ઉત્પન્ન થઈ છે. તથાપિ હું આજે એકાંતમાં એ વિશે વિચાર કરીશ, અને જે મને સૂઝશે તો બીજો ઉપાય તને બતાવીશ - તું પાછી કાલે અહીં આવજે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે અને તે એ કે મારી પાસે તેં જે વાક્યોનો ઉચ્ચાર કર્યો છે, તે વાક્યોનો બીજા કોઈ સન્મુખ તો શું પણ પિતા સમક્ષ પણ ઉચ્ચાર કરીશ નહિ. આજ પર્યન્ત તે મારી આગળ તારી સ્વામિનીની જે જે વાતો કરેલી છે, તેમના વિશે વિચાર કરતાં મને લાગે છે કે, ભગવાન્ તથાગતનું આ નગર વિશેનું ભવિષ્ય મુરાદેવી દ્વારાજ સત્ય થશે. એ મહા દીર્ધદ્વેષી હોય એમ દેખાય છે. મારા ધારવા પ્રમાણે મુરાદેવીના દુગ્ધ પીતા બાળકને અરણ્યમાં મોકલીને તેની હત્યા કરાવવાને લગભગ સોળ સત્તર વર્ષ થવા આવ્યાં હશે, કેમ નહિ કે?”

“હા-હા-સોળ વર્ષ તો નક્કી થઈ ગયાં; પરંતુ એના સ્મરણથી આજે પણ દેવીના મનમાં ઉદ્વેગ અને શોકની એટલી બધી પ્રબળતા છે, કે