આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એ ક્રૂર કૃત્ય જાણે ગઈ કાલે જ કરવામાં આવ્યું હોયની!” વૃન્દમાલાએ ઉત્તર આપ્યું.

“ભગવાન, અર્હંતની જે ઇચ્છા હોય તે ખરી, તું હવે જા, કાલે આવજે.” એમ કહીને વસુભૂતિએ વૃન્દમાલાને જવાની આજ્ઞા આપી. તેના ગયા પછી એક દીર્ધ ઉષ્ણ નિઃશ્વાસ નાખીને તે ઘણીક વાર સુધી સ્વસ્થ બેસી રહ્યો. હમણાં જે કાંઈ પણ સાંભળવામાં આવ્યું, તે વિશે પ્રશ્ન કરીને ભિક્ષુ પાસેથી વધારે માહિતી કઢાવવાનો વિચાર ચાણક્યના મનમાં આવ્યો; તેથી તે ઉઠ્યો નહિ - છતાં પણ એકાએક એમ પૂછવાની તેની હિંમત થઈ ન શકી. એટલામાં વસુભૂતિએ પુન: એકવાર નિઃશ્વાસ નાખ્યો અને ચાણક્યને ઉદેશીને કહ્યું કે;–

"વિપ્રવર્ય ! તને કદાચિત્ સત્ય ભાસશે નહિ, પરંતુ અમારા મહા- પરિનિબ્બાણસૂતો (મહાપરિનિર્વાણ સૂત્રો) માં ભગવાન બોધિસત્વે આ પાટલિપુત્રના સંબંધમાં ભવિષ્ય ભાષેલું છે - તે એ કે, આ નગરીના શિરે ત્રણ મહાસંકટ આવશે, અગ્નિપ્રલય, જળપ્રલય અને ગૃહકલહ. તેમાંના ગૃહકલહનો તો આ આરંભ નહિ હોય ? રાજા અને મંત્રિઓ યોગ્ય વિચાર કરનારા ન હોય, તો બહુધા આવી જ દશા થવાનો સંભવ હોય છે. એ મુરાદેવી ખરી રાજકન્યા - કિરાત રાજાની પુત્રી છતાં પણ તેને વૃષલી ઠરાવીને અને ધનાનન્દના યોગે ઉત્પન્ન થએલા એના પુત્ર વિશે પણ બીજી રાણીઓ અને મંત્રીઓએ અયોગ્ય શંકાઓ ઉપજાવીને તેને હિમાલયના અરણ્યમાં ઘાત કરાવ્યો. એ અન્યાયથી કરાયેલી બાળહત્યા જ ગૃહકલહનું કારણ થઈને ભગવાન બોધિસત્ત્વના વચનોને સત્ય કરી બતાવવાનાં હોય, એવે જ હવે ભાસ થાય છે."

બુદ્ધભિક્ષુ વસુભૂતિના એ ભાષણના શબ્દે શબ્દને ચાણક્ય ઘણા જ ધ્યાનથી અને ઘણી જ ઉત્સુકતાથી સાંભળતો બેઠો હતો. તેના હૃદયમાં કોઈ બીજા જ વિચારો રમી રહ્યા હતા.



પ્રકરણ ૫ મું.
ચાણક્યનો વિચાર.

સુભૂતિ ભિક્ષુ એ પ્રમાણે પોતાના હૃદયના ઉદ્દગારો બહાર કાઢતો હતો. તે વેળાએ ચાણક્યના અંતઃકરણમાં નાના પ્રકારના વિચાર- તરંગો ઊઠવા લાગ્યા હતા. “હું જે કાર્ય કરવાના ઉદ્દેશથી મારા આશ્રમને ત્યાગી આ નગરીમાં આવેલો છું, તે કાર્યને સિદ્ધ કરી આપનારી સ્થિતિ