આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

યૌવરાજ્યાભિષેક કરવામાં આવ્યો છે અને એ પ્રસંગે મુરાદેવીને બંધનમુક્ત કરવામાં આવી, ત્યાં સૂધી તે પણ એક સાધારણ ચોર પ્રમાણે જ કારાગૃહમાં પૂરાયેલી હતી............................................” સિદ્ધાર્થકે એ વાક્યો એટલા બધા કોપથી ઉચ્ચાર્યાં કે, તેને આગળ બોલવાનું હતું પણ એ કોપના આવેશમાં તેનાથી બોલી શકાયું નહિ.

“શું, મુરાદેવી એટલી બધી ઉત્તમ સ્ત્રી છે ?” ચાણક્યે કહ્યું. “મેં જ્યારથી આ નગરીમાં પગ મૂક્યા છે, ત્યારથી જેના તેના મુખથી મુરાદેવીની પ્રશંસા જ હું સાંભળ્યા કરું છું. જો તે એવી જ પુણ્યવતી સતી સુંદરી હોય, તો ખરેખર એકવાર એ સાધ્વીનાં દર્શનનો લાભ તો લેવો જ જોઈશે.”

“પણ એમાં અશક્ય શું છે?” સિદ્ધાર્થક લાગલો જ બોલી ઊઠ્યો. “મુરાદેવી, એક મહા શિવભક્તા સ્ત્રી છે. તે પ્રત્યેક સોમવારે કૈલાસનાથના મંદિરમાં કૈલાસનાથનાં દર્શન કરવાને અને શિવનું ચરિત્ર સાંભળવાને આવે છે. તે કારાગૃહમાં હતી, ત્યારે પણ સિપાહીઓના ચોકી પહેરા સાથે તેને ત્યાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. પરમ દિવસે સોમવાર છે અને પક્ષ પ્રદોષ પણ છે, એટલે તે સૂર્યાસ્ત સમયે – પ્રદોષ કાળે અવશ્ય ત્યાં આવશે. હવે તેની સાથે પહેરેગીરો હોતા નથી. માત્ર તેના બે ચાર અનુચરો જ હોય છે, એટલે આપણે કોઈ પણ જાતની અડચણ વિના તે પરમ પુનિતા મુરાદેવીનાં દર્શનનો સુખેથી લાભ લઈ શકીશું.”

ચાણક્યે પોતાનું ડોકું ધુણાવ્યું – મુખથી એનું કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ, મૂંગે મોઢે ચાલવામાં કેટલોક વખત વીતી ગયો, એટલામાં વળી પણ સિદ્ધાર્થક તેને કહેવા લાગ્યો, “આ રાજમહાલયના આગલા ભાગમાં એક નાનકડું ઉપવન છે, તેમાં પ્રવેશ કરીને એક છાયા વૃક્ષનીચે શિલા ઉપર બેસો. હું ગુરુજીએ આપેલું પત્ર ગુપ્તરીતે વૃન્દમાલાને આપીને અથવા તો જરૂર તે તેના જ હાથમાં જાય એવી બીજી વ્યવસ્થા કરીને હમણાં જ પાછો ફરું છું.” ચાણક્ય કિંચિત સ્તબ્ધ ઊભો રહ્યો; ત્યારપછી તે કહેવા લાગ્યો, “સિદ્ધાર્થક ! શું તારા હૃદયમાં મારા માટે એવી શંકા છે કે, હું ગુહ્યને ખોલી નાંખીશ? અને એવા જ હેતુથી તો તું મને અહીં બેસવાનું નથી કહેતો ? એ પત્રમાં તારા ગુરુએ જે જે વાતો લખેલી છે, તે સઘળી હું જાણું છું. વૃન્દમાલા ગઈકાલે રાત્રે શામાટે આવી હતી અને ગુરુજીને તેણે શું કહ્યું, એ સર્વે મેં સાંભળેલું છે. માટે હવે કોઈપણ વાતને મારાથી ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરીશ નહિ. ઉલટો મને પોતાસાથે લઈ ચાલ.