આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
પ્રારમ્ભ.

મનથી રાત્રિ દિવસ ઇચ્છતી હતી. મુરાદેવી પોતાના દ્વેષને આધીન થઈ અચાનક કોઈપણ સંકટને વ્હોરી લેશે, તે ન વ્હોરે અને તેને શાંત થવા માટેનો ઉપદેશ આપી શકાય, એવા હેતુથી જ વૃન્દમાલાએ બુદ્ધભિક્ષુ વસુભૂતિ પાસે જઈને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો હતો. વસુભૂતિ કોઈપણ યુક્તિ કાઢીને મુરાદેવીના રક્ષણનો ઉપાય યોજશે જ અથવા તો તેને સારો બોધ આપીને તેના દ્વેષનો નાશ કરશે, એવો વૃન્દમાલાના મનનો દૃઢ નિશ્ચય હતો. એવામાં સિદ્ધાર્થકે વસુભૂતિનું પત્ર લાવી આપવાથી તો તેને પૂર્ણ રીતે ભાસ્યું કે, ગુરુજીને મુરાદેવીનો કાંઈક પણ વિચાર થયો છે ખરો અને એથી ગમે તે ઉપાયે પણ તે એને શાંતિ પણ આપશે જ. અસ્તુ. પત્રને લઈને તે એક એકાંત સ્થળમાં ગઈ અને ત્યાં તે પત્રને ઊઘાડીને વાંચવા લાગી. તે નીચે પ્રમાણે હતું:–

“સ્વસ્તિ ! ગઈ કાલે રાત્રે તારા અહીંથી ગયા પછી મારું મન ઘણું જ ચિંતાતુર થએલું છે. તેં મુરાદેવી વિશેનો જે વૃત્તાંત કહી સંભળાવ્યો, તે વિશે મેં ઘણોય વિચાર કર્યો. મને અંતે એમ જણાયું કે, મુરાદેવીને જો તેના હાલમાં છે તેવા જ વિચારોમાં રહેવા દેવામાં આવશે, તો પરિણામ સારું નહિ થાય. એનો જ ઘાત થશે. માટે એના સંરક્ષણ માટેની કાંઈ પણ યોજના થવી જોઈએ અને એ યોજના કેવી રીતે કરવી, તેનો ઉપાય મેં શોધી રાખ્યો છે. તું પાછી એકવાર આવીને મને મળી જજે, એટલે મુરાદેવીને અને મારો મેલાપ ક્યાં અને કેવી રીતે થશે, એનો વિચાર આપણે કરી શકીશું. તેનું અને મારું એકવાર મળવું થયું, એટલે આપણી ધારણા પ્રમાણે સર્વ કાર્ય બની શકશે, એમ મારું માનવું છે. આપણને હાલ તો એમ જ લાગે છે કે, મુરાદેવીના આવા વર્તનથી તેના પોતાના ઘાતવિના બીજું કશું પણ થવાનું નથી, પરંતુ એમ પણ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ કારણ કે, હમણાં હમણાં ધનાનન્દ વિશે અમાત્યગણમાં પણ કેટલોક અસંતોષ ઉત્પન્ન થએલો છે અને યવનો તો મગધમાં પ્રવેશ કરવાને અહોરાત્ર પ્રયત્ન કરી જ રહ્યા છે. એવા અશુભ સમયમાં જો થેાડો પણ ગૃહકલહ થયો, તો તે હાનિમાટે પૂરતો છે. એ ગૃહકલહરૂપ અગ્નિની જ્વાળા વધશે, એવો સોળે સોળ આના સંભવ છે, માટે તેનાપર જલવૃષ્ટિ કરીને આપણે તેને શાંત કરવાનો યત્ન કરવો જોઇએ. મુરાદેવીની ચિત્તવૃત્તિ અત્યારે છે, તેના કરતાં વધારે વિકારવાળી થવા ન પામે, એની તું દિન રાત્ર ચિંતા રાખજે. હું તો એની ચિતામાં નિમગ્ન થએલો છું જ, હવે પછી, મુરાદેવીના અંત:પુરમાં વધારે કોણ આવે જાય છે, તે કોની સાથે વધારે સંભાષણનો વ્યવહાર રાખે છે, શું બોલે છે અને શું આચરણ કરે છે ઇત્યાદિ બાબતોની