આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
પહેલું પગથિયું.

યોગ્ય છે. તારા જેવી પુત્રીનાં માતા પિતા અને તારા જેવી સ્ત્રીના પતિ આદિને ખરેખરાં સદ્દભાગ્યશાળી જ સમજવાં જોઈએ.”

“તું નિત્ય વંદન કરવાને યોગ્ય છે.” એ શબ્દોથી વૃન્દમાલાના હૃદયમાં આનંદનો જે ભાવ થયો, તે ન વર્ણવી શકાય તેવો હતો.



પ્રકરણ ૭ મું.
પહેલું પગથિયું.

રાજા ધનાનંદ પોતાના મહાલયની અગાસીમાં બેઠો બેઠો નગરની શોભાનું અવલોકન કરતો હતો. પાસે દાસદાસીઓ અને પરિચારકો પણ ઘણી જ થોડી સંખ્યામાં હતાં, એથી જાણે પરિચારકોના નિત્યના સહવાસથી કંટાળીને તેમને દૂર કરી શાંતિથી જ તે પોતાના મનસંગે વિચાર કરતો નગર નિરીક્ષણના આનંદનો અનુભવ લેતો બેઠો હોયની ! એવું અનુમાન થઈ શકતું હતું. થોડા ઘણા પરિચારકો પાસે ઉભા હતા, તેમને પણ તેણે રજા આપી દીધી. દ્વારપર માત્ર પ્રતિહારી અને દ્વારના અંતર્ભાગમાં વેત્રવતી એ બે અનુચરો જ ત્યાં રહ્યાં. બાકીનો બધો સૌધપ્રાંત (અગાસીનો ભાગ) સર્વથા ખાલી થઈ ગયો. ધનાનન્દના મનની સ્થિતિ આ વેળાએ કાંઈક વિચિત્ર થએલી દેખાતી હતી. નીચે ચતુર્દિશાએ નગરનો વિસ્તાર થએલો હતો અને તેમાં નાગરિકોના અનેક પ્રકારના વ્યવસાયો ચાલતા હતા, પરંતુ એ સઘળા દેખાવોમાં ધનાનન્દની દૃષ્ટિ હતી કે નહિ ? એનો સંશય જ હતો. અર્થાત્ તેનું મન કોઈ બીજી જ દિશામાં વિચરતું હોય, એમ દેખાતું હતું. તેની મુખમુદ્રાના અવલોકનથી તેના મનના વિચારો આનન્દદાયક હોય, એમ તો જણાતું જ નહોતું. કોઈ પ્રકારની ઉત્સુકતા તેના મનમાં હોય અને તે ઉત્સુકતાના કારણને તે શોધ કરતો હોયની! એવો સર્વથા ભાસ થતો હતો. એ ઉત્સુકતાનું મૂળ તે કાંઈ પણ ભીતિ–“મારાપર સત્વર જ કોઈ વિપત્તિ અથવા તો દુઃખ આવશે.” એવી ભીતિ હોય, એમ જણાતું હતું. કાંઈ પણ કારણ ન હોવા છતાં અને કોઈપણ દિશામાંથી વિપત્તિને સૂચવનારા કાંઈપણ સમાચાર ન હોવા છતાં પણ રાજા કેવળ સુખસ્થિતિમાં નગરની શોભા જોવાને બેઠેલા હતો. એવામાં એકાએક તેના મનમાં ઉપર કહ્યા પ્રમાણે ઉત્સુકતા અને ભીતિનો વિચાર આવીને ઊભો રહ્યો. રાજા, એવા વિચારથી તો શું, પણ ભયનો પ્રસંગ પણ પ્રત્યક્ષ આવીને સામે ઉભો હોય, તો પણ તેથી ડરીને પાછો હટે એવો નહોતો; પણ કોઈ કોઈવાર મનની સ્થિતિ જ એવી થઈ જાય છે કે, તે વેળાએ મનમાં