આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના

પાશ્ચાત્ય વિદ્વાનો ચાણક્યને ભારતવર્ષનો મેકિયાવેલ કહે છે. મેકિયાવેલનું પૂરું નામ નિકોલો મેકિયાવેલ હતું અને તે ઇટલી દેશનો એક મહા નામાંકિત રાજનીતિજ્ઞ પુરુષ થઈ ગયો છે. એ ઈ. સ. ૧૪૬૯માં જન્મી ઈ. સ. ૧પ૨૭ માં મરણ પામ્યો હતો. એણે 'પ્રિન્સ' નામક રાજનીતિ વિષયક એક ઉત્તમ ગ્રંથ લખ્યો છે અને તે અત્યારે પણ સમસ્ત યુરોપમાં રાજનીતિના વિષયમાં એક પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. પરંતુ ચાણક્યની એના કરતાં જે એક વિશેષતા હતી તે એ કે, મેકિયાવેલ એક ગૃહસ્થ હતો અને તેથી રાજનીતિનાં કાર્યો કરતી વેળાએ તેની દેશહિતની ભાવના સાથે સ્વાર્થસિદ્ધિની ભાવના પણ કેટલેક અંશે મળેલી હોય તે તો સ્વાભાવિક હતું; અને ચાણક્યના મનમાં સ્વાર્થ સિદ્ધિના વિચારનો કદાપિ આવિર્ભાવ પણ થયો નહોતો. કારણ કે, તે “करतलभिक्षा तरुतलवास:” એવા પ્રકારનો સર્વ પ્રકારના પ્રપંચોથી મુક્ત નિ:સ્પૃહ બ્રાહ્મણ હતો અને તેથી જ જ્યારે નન્દવંશના નાશ માટેની તેની પ્રતિજ્ઞાની પૂર્તિ થઈ અને ગ્રીક યવનોને આર્યાવર્તમાંથી હાંકી કાઢવાના તેના ઉદ્દેશની સિદ્ધિ થઇ, એટલે ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેક પછી તરત જ તેણે પાટલિપુત્રનો ત્યાગ કરીને પુન: પોતાના વનવાસનો સ્વીકાર કરી લીધો અને 'कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन' એ ગીતાવાક્યની સાર્થકતાને પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવી. ચાણક્યમાં વળી શત્રુના ગુણોને સ્વીકારવાનો એક અદ્વિતીય ગુણ હતો અને તે રાક્ષસ વિષે તેના મનમાં વસતા પૂજ્યભાવથી સ્પષ્ટ દેખાઈ આવે છે.

ચાણક્યનું ખરું નામ વિષ્ણુશર્મા અથવા વિષ્ણુગુપ્ત હતું અને નન્દવંશના નાશ માટેના કાર્યમાં તેણે કુટિલનીતિનો પૂર્ણ ઉપયોગ કરેલો હોવાથી તેને કૌટિલ્ય એવું એક બીજું ઉપનામ પણ અપાયલું છે. એ ચાણક્યે “ચાણક્ય સૂત્ર” નામક એક રાજનીતિવિષયક પુસ્તક લખ્યું છે; એ પુસ્તકને “ચાણક્ય શતક” અથવા “ચાણક્યનીતિ”ના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના અનેક પૌરસ્ત્ય તથા પાશ્ચાત્ય ભાષાઓમાં અનુવાદ પણ થઇ ચૂક્યા છે. એ જ ચાણક્ય પ્રસ્તુત નવલકથામાંનો સર્વ પ્રમુખ કાર્યાગ્રણી નાયક હોવાથી, આ ગ્રંથ મનેારંજક થવા સાથે બુદ્ધિ વિકાસક થવાનો પણ પૂરેપૂરો સંભવ છે.


મુંબઈ
તા૦ ૧૪-૮-૧૯૧૨
}
ઠક્કુર નારાયણ વિશનજી