આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
બીજું પગથિયું.

માતાઓને મુરાદેવીનાં ભાગ્ય આમ એકાએક કેમ ઉઘડી ગયાં, એનું ઘણું જ આશ્ચર્ય લાગવા માંડ્યું. આજ સુધી જેના નામનું પણ રાજાને સ્મરણ નહોતું, તેના જ મહાલયમાં રાજા કેટલાક દિવસ વીતાડવાનો છે, એ સાંભળીને તેમને ખેદ થયો; અને રાજાને વશ કરવામાટે દુષ્ટ મુરાદેવીએ કાંઈપણ માંત્રિક ઉપાયો કરેલા હોવા જોઇએ, તેમ જ એને જો એવા જ ઉપાયો કરવા દેવામાં આવશે, તો એ બીજી બધી રાણીઓનું ઉચ્ચાટન કરી નાંખશે, એવી ધારણાથી તેમના મનમાં દ્વેષની ઉત્પત્તિ થઈ. એક તો, બીજી સર્વ રાણીઓના હૃદયમાં પ્રથમથી જ મુરાદેવી વિષયક દ્વેષનો અગ્નિ બળ્યા જ કરતો હતો, એવામાં તેણે તેમને રાજાના પ્રેમસ્થાનમાંથી દૂર કરીને પોતે જ તે સ્થાનને અધિકાર લઈ લીધો, એટલે બળતામાં ઘી હોમાયું. પછી શું પૂછવું? એ બનાવ બન્યો કેવી રીતે ? એ વિશે સર્વત્ર શોધો થવા માંડ્યા, અને કંચુકી, વેત્રવતી તથા પ્રતિહારીએ અંદરખાનેથી કાંઈપણ કપટ કરેલું હોવું જેઈએ, એવો સ્ત્રીજનોને નિશ્ચય થવાથી તેમનાપર ગાળો અને શાપોની વૃષ્ટિ વર્ષવા માંડી. “અમે ધનાનન્દ રાજાને જે પત્રિકા આપી, તે મુખ્ય રાણીની જાણીને જ આપી.” એવો કંચુકી, વેત્રવતી અને પ્રતિહારીએ વારંવાર ખુલાસો કર્યો; પરંતુ તે કોઈને પણ સાચો લાગ્યો નહિ. કપટ કરીને મુરાએ પત્રિકા મોકલી, તેથી તેનાપર અને તેના કારસ્થાનમાં શામેલ થઈને તે પત્રિકા રાજાના હાથમાં પહોંચાડી, એટલામાટે એ ત્રણેપર સર્વે રાણીઓને ઉગ્ર રોષ થયો અને અંત:પુરમાં જયાં ત્યાં અગ્નિની જ્વાળાઓ પ્રજળવા માંડી. બિચારી વૃન્દમાલા ઘણી જ વિડંબનામાં આવી પડી. પોતાની સ્વામિનીના સારા દિવસે આવ્યા માટે આનંદ કરવો કે હવે સર્વ સ્ત્રીસમાજ તેનો અને પોતાનો દ્વેષ કરવા લાગ્યો છે, તેથી શોક કરવો, એનો નિર્ણય તેનાથી કરી શકાયો નહિ; તથાપિ પોતાની સ્વામિનીને સુખમાં પડેલી જોઈને તેને આનંદ તો થયો જ. “એની સોક્યો હાલમાં જો કે એનો દ્વેષ કરે છે, પરંતુ તે ઝાઝા દિવસ ટકનાર નથી. ચાર દિવસ પછી એ બીનાને બધા ભૂલી જશે અને બીજી ચાર રાણીઓ પ્રમાણે એને પણ ગણવા માંડશે,” એવો તેનો અભિપ્રાય બંધાયો.

કેટલાક મનુષ્યોનો સ્વભાવ એવો હોય છે કે, જેમ જેમ તેમને ચીડાવીએ તેમ તેમ તેમનું તેજ વધારે અને વધારે પ્રજ્વલિત થતું જાય છે. તેમનાં કરવા ધારેલાં કાર્યોમાં જેમ જેમ વિઘ્નો આવતાં જાય છે, તેમ તેમ તે વિઘ્નોને દૂર હટાવીને પોતાના કાર્યની સિદ્ધિ માટેનો તેમનો ઉત્સાહ વિશેષ અને વિશેષ વધતો જાય છે. મુરાદેવી પણ એવા જ પ્રકારની સ્ત્રી હતી; અથવા તો સોળ સત્તર વર્ષના કારાગૃહવાસે તેને એવી દૃઢ હૃદયની બનાવી મૂકી હતી.