પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવું હજી છે ?
૧૩૭
 

હીરાની સાથે રમતાં ફરતાં બાળકોને અને હીરાને પાછળ ઊભા રહી શિક્ષકે જોઈ લીધાં. ત્યાં પણ હીરો પ્રશ્ન પૂછતો નહોતો.

શિક્ષકે વિચાર કર્યો: "આનું કારણ ઘરમાં તો નથી ?"

અને સાચે જ કારણ હતું. મા કે બાપ બેમાંથી હીરો કોને પ્રશ્ન પૂછે ? બાપા દિવસ બધો વેપારમાં રહેતા; બા દિવસ બધો સભામાં ને ઘરવ્યવસ્થામાં રોકાતી. નોકરો સવાલનો જવાબ કેવો આપે તે તો આપણે જાણીએ જ છીએ ના !

: ૯૮ :
આવું હજી છે ?

"બસ, ન આવડે કેમ ? રોજ ને રોજ ભૂલી જ જાય છે ? ગોખ્યાગોખ કરીએ તો કેમ ન આવડે ? અમે નાના હતા ત્યારે એમ જ કરતા; ને ન આવડતું તો તડ દઈને લપાટ પડતી. ચાલો, ગોખ, ગોખ. સામે શું જુએ છે, આમ ડોળા કાઢીને ? ગોખ્યા વિના ક્યાંથી આવડશે ? ને નહિ આવડે તો ભીખ માગીશ ભીખ; ને આજ તો ભીખે કોણ આપશે ? ભૂખે મરીને રવડી મરીશ."

"જોને ટોકળા જેવડી થઈ પણ આવડે છે એકે ય કામ ? એક તણખલું તોડીને બે તો કરતી નથી. એક વધી જાણ્યું ને ઊછળી જાણ્યું છે, ને બે ટંક ખૂબ ખાઈ જાણ્યું છે ! ત્યાં સાસરે સાસુ તારી સગી નથી. એ તો હું બધું ચલવું, મા જનેતા છું તેથી. જોજેને, હેરાન હેરાન ન થઈ જા તો !"