પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪
આ તે શી માથાફોડ
 

મેં કહ્યું : “પણ આ બાળકોએ તો બરાબર નક્કી કરીને કહ્યું છે.”

ચંપા કહે : “તો પછી મારા ફટાકડા હું નહિ ફોડું આપણે એકલાં કાંઈ ફોડાય ?”

થોડી વાર ચંપાએ વિચારી કહ્યું : “પણ કોઈ દિ‘ ફોડાય કે નહિ ?”

મેં જોયું કે ચંપાને ફટાકડા ફોડવાનું મન છે અને સાથે સાથે બીજાંઓ ફોડતાં નથી માટે ફોડવું ગમતું પણ નથી. બાલસ્વભાવનું આ સાદું દર્શન જોઈ મને વાતમાં રસ પડતો હતો.

મેં માર્ગ કાઢ્યો : “ફોડાય ફોડાય. મહાત્મા ગાંધી જેલમાં છે તે છૂટે ત્યારે ફોડાય. ત્યારે તો રાજી રાજી થઈ જવાનું ને કૂદાકૂદ કરવાની ને ફટાકડા પણ ધમધમ ફટફટ ફોડવાના.”

ચંપાના મનને અત્યંત સમાધાન થયું. તે કહે : “ત્યારે તો હું મારા ફટાકડા કબાટમાં મૂકી રાખું. ગાંધીજી છૂટશે ત્યારે ફોડીશ.”

મેં કહ્યું : “ઠીક”

ચંપાએ નિશ્ચય કરી લીધો. તેણે તે બાને ને ફોઈને જાહેર પણ કર્યો : “ગાંધીજી છૂટશે ત્યારે ફટાકડા ફોડીશ.”

બાળકોના અભ્યાસીઓને આ અનુભવ ઘણો ઉપયોગી થશે.

: ૧૧૧ :
હરગિજ નહિ

વખતે નોકરને ધમકાવો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.