આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી ને કેવળ સ્ત્રીસંગ ન કરવામાં સફલ થાય તો પોતાને કૃતાર્થ થયેલા માને છે. સ્ત્રીસંગ ન કરવાથી જ બ્રહ્મચર્યપ્રાપ્તિ થઈ ન કહેવાય. જ્યાં લગી સ્ત્રીસંગમાં રસ રહ્યો છે ત્યાં લગી બ્રહ્મચર્યપ્રાપ્તિ થઈ ન કહેવાય. જે એ રસને બાળી શકે છે તે પુરુષ કે સ્ત્રીએ જ પોતાની જનનેન્દ્રિય ઉપર જીત મેળવી ગણાય. તેની વીર્યરક્ષા એ બ્રહ્મચર્યનું સીધું ફળ છે, પણ તે સર્વસ્વ નથી, ખરા બ્રહ્મચારીની વાણીમાં, વિચારમાં ને આચારમાં તરી આવે એવો પ્રભાવ જોવામાં આવે છે.

આવું બ્રહ્મચર્ય સ્ત્રીઓની સાથેના સંબંધથી કે તેના સ્પર્શથી અભડાશે નહીં. એવા બ્રહ્મચારીને સારુ સ્ત્રીપુરુષનો ભેદ નહીંવત્ થઈ જાય છે. આ વાક્યનો કોઈ અનર્થ ન કરે. એનો ઉપયોગ સ્વેચ્છાચારને પોષવામાં કદી ન થાય. જેની વિષયાસક્તિ બળીને ખાખ થઈ ગઈ છે, તેના મનમાં સ્ત્રીપુરુષનો ભેદ ટળી જાય છે, ટળવો જોઈએ. તેની ખૂબસૂરતીના ખ્યાલ જુદું જ રૂપ પકડે છે. તે બહારના આકારને જોશે જ નહીં. જેના આચાર ખૂબસૂરત છે. તે સ્ત્રી હો કે પુરુષ ખૂબસૂરત છે. તેથી રૂપાળી સ્ત્રીને જોઈને તે વિહ્વલ નહીં થાય. તેની જનનેન્દ્રિયે પણ જુદું રૂપ લીધું હશે, એટલે કે તે સદાયને માટે વિકારરહિત થશે. એ વીર્યહીન થઈ નપુંસક નહીં થાય, પણ તેના વીર્યનું પરિવર્તન થવાથી તે નપુંસક જેવો લાગશે. નપુંસકના રસ નથી બળતા એમ સાંભળ્યું છે. જેઓએ મને કાગળ લખ્યા છે, તેઓમાંના કેટલાકનો પુરાવો એ છે કે, જેઓ જનનેન્દ્રીયની જાગૃતિ ઈચ્છે છે પણ તેની જાગૃતી નથી થતી છતાં સ્ત્રાવ થઈ જાય છે. રસ રહ્યા છે તેથી તે બળ્યા કરે છે. આવા પુરુષ ક્ષીણવીર્ય હોઈ નપુંસક થયા છે; અથવા તે નપુંસક થવાની તૈયારી કરી રહ્યા છે. આ દયામણી સ્થિતી છે. પણ પોતાના