આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ : મંદિરમાં કોઈ ઝાડ નીચે નિવાસ, ખુલ્લી જમીન ઉપર શયન, મૃગચર્મનું પરિધાન અને આ રીતે પરિગ્રહ અને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

યોગરતો વા ભોગરતો વા
સંગરતો વા સંગવિહીન : |
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં
નન્દતિ નન્દતિ નન્દત્યેવ || ભજ ગોવિન્દમ્ || ૧૮ ||

અર્થ : કોઈ માણસ યોગમાં રાચતો હોય કે તે ભોગમાં રાચતો હોય, કોઈ સંગમાં આનંદ માણતો હોય કે તે લોકોથી દૂર એકાંતમાં રાચતો હોય. જેનું ચિત્ત બ્રહ્મમાં રાચે છે તે આનંદ માણે છે….આનંદ માણે છે… ખરેખર તે જ આનંદ માણે છે… ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ…

ભગવદગીતા કશ્ચિદઘીતા
ગંગાજલલવકણિકા પીતા |
સકૃદપિ યેન મુરારિસમર્ચા
ક્રિયતે તમ્ય યમેન ન ચર્ચા || ભજ ગોવિન્દમ્ || ૧૯ ||

અર્થ : જેણે ભગવદગીતાનો થોડો પણ અભ્યાસ કર્યો છે, જેણે ગંગાજળનું એક ટીપું પણ પીધું છે, જેણે મુરારિ ભગવાનની એક વાર પણ અર્ચા કરી છે તેને મૃત્યુના સ્વામી યમ સાથે ચર્ચા કરવાની રહેતી નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

પુનરપિ જનનં પુનરપિ મરણં
પુનરપિ જનનીજઠરે શયનમ્ |
ઈહ સંસારે બહુદુસ્તારે
કૃપયાડપારે પાહિ મુરારે || ભજ ગોવિન્દમ્ || ૨૦ ||

અર્થ : ફરી જન્મ, ફરી મરણ અને ફરી માના ઉદરમાં સૂવાનું – આ સંસારની પ્રક્રિયા પાર કરવાનું ઘણું મુશ્કેલ છે…. ઓ ! મુરારિ તારી અનંત કૃપા દર્શાવી મને બચાવ. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….