આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રે જોજે બે'ની! વેદના જાગે,
તુંયે રણબંકડા કેરી બે'નઃ ફુલાતી રાખજે છાતી રે!
સૂના સમદરની પાળે.

બે'ની! કોઈ સોબતી મારો
રે બે'ની ! કોઈ સોબતી મારો,
માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
સૂના સમદરની પાળે.

બે'ની મારી, ફાળ મા ખાજે!
રે બે'ની! ઝંખવૈશ મા લાજે!
માયાળુ! મન કૉળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!
સૂના સમદરની પાળે.

બે'નીબા! આ તેગ બાપુની
રે બે'નીબા! આ તેગ બાપુની,
ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે,
સૂના સમદરની પાળે.

એવાં વા'લાં ધામ સંભારી
રે એવાં મીઠાં નામ સંભારી,
રાજસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે
સૂના સમદરની પાળે.

બંધુ મારા! એક છે બીજી
રે બંધુ મારા! એક છે બીજી,
તોફાની આંખ બે કાળીઃ ઓળખી લેજે એ જ એંધાણે રે
સૂના સમદરની પાળે.

બંધુ! એનું દિલ મસ્તાનું
રે બેલી! એનું દિલ મસ્તાનું,
મસ્તાના ફૂલ હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાયું રે
સૂના સમદરની પાળે.