પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હતો, કેમકે તેઓ સમજતા હતા કે સંસ્કૃત ભાષાના સામાન્ય જ્ઞાન વિના શાસ્ત્રના પાઠ જોઇએ તેવા ભણી શકાયજ નહિ. બાદશાહે પૂછ્યું કે વ્યાકરણ કાવ્યનું આવું જ્ઞાન છતાં તમે જોશીજ કેમ થયા. એણે જવાબ દીધો કે સાહેબ, હાલ શાસ્ત્રી પુરાણીને ભણીને આખરે ભીખ માગવી પડે છે; અને ધંધો તો એવો છે કે સઘળા મારે ઘેર ધક્કા ખાતા આવે છે. બીરબલે કહ્યું જોશીબાવાનું કહેવું પ્રમાણ છે-એમને વાસ્તે તો આકાશવાસી આંધળા લૂલાની ટોળી એવી જબરી છે કે તેઓ શૂમને પણ ચીરીને એમનું પેટ ભરે છે.

બાદશાહે હસીને કહ્યું એ બધી વાત ખરી, પણ વિદ્યા કરતાં ધનને શ્રેષ્ઠ ગણવું એ બુદ્ધિમાનનું લક્ષણ ન કહેવાય, બીરબલ બોલ્યો, સાહેબ, જ્યોતિષ શાસ્ત્રનો મુદ્દોજ એ છે-કેમ જોશીબાવા ખોટું કહું છું ? એમ કહી નીચેનો દુહો બોલ્યો :-

लिख पहीलो तन धन दुजो, विद्या पंचम स्थान;
यो उपदेषी देत जो, जगति गतिके जान.

આ મર્મના બોલ જોશીને લાગ્યા ખરા, પણ કાંઇ પ્રત્યુત્તર વળાય એમ હતું નહિ, કેમકે જ્યોતિષ્યમાં પહેલું સ્થાન તનનું, બીજું ધનનું, અને વિદ્યાનું તો છેક પાંચમુંજ ગણ્યું છે. બીજા સભાસદો તો ખૂશ ખૂશ થઇ ગયા, કેમકે આ એક દોહરામાં વ્યવહાર ને જ્યોતિષ એ બંનેના અર્થ આવ્યા હતા. કોઈએ પૂછ્યું કે વ્યવહારપક્ષે તો "जगति गतिके जान" એ વાક્યનો અર્થ "જગતની રીતિ જાણનારા" એમ ઠીક બંધ બેસે છે, પણ જોષીને કેમ લાગુ પડે છે તે મારાથી સમજાતું નથી. જગન્નાથ પંડિતે કહ્યું એજ આ કવિતાનો શ્લેષાત્મક ચમત્કાર છે. આખા જગતની એટલે બ્રહ્માંડની ગતિ જાણનાર એ વિશેષણ જોષીનેજ બરાબર લાગુ પડે છે.

અકબર બાદશાહ સઘળી વિદ્યાનો જીજ્ઞાસુ હતો તેથી તેણે પૂછ્યું કે મહારાજ, પાંચમું ઘર વિદ્યાનું ત્યારે પછીનાં ઘર કેવાં હશે તે કહો. તેણે જવાબ આપ્યો કે છઠ્ઠું શત્રુ રોગ વગેરેનું, સાતમું સ્ત્રીનું, આઠમું મૃત્યુનું". આગળ બોલવા જતા હતા પણ એટલામાં બીરબલ બોલી ઉઠ્યો કે-

अरि नारी अरू मृत्युके, घर है हारोहार;
जोतसी इसमें क्या कहा ? जानत सब संसार.


એટલે શત્રુ, સ્ત્રી, મૃત્યુ, એ ત્રણનાં ઘર પાસે પાસે છે એમાં થેં જોશી, શું કહ્યું ? એ તો આખી દુનિયાં જાણે છે.

આ હાજર જવાબીથી બાદશાહ પ્રસન્ન તો થયા, પણ જોશીનું મ્હોં ઉતરી ગએલું જોઇને કહ્યું, બીરબલે સ્ત્રીજાતિની નિંદા કરી, પણ જોશી મહારાજ, તમે કાંઇ પાછું તેની પ્રશંસાનું જ્યોતિષને લગતું બોલો. એણે કહ્યું કે મહારાજ જ્યાં સભાને હાસ્યવૃત્તિ વ્યાપી રહી છે ત્યાં મ્હારૂં શૃંગારનું ગાંભીર્ય રૂચવું મુશ્કેલ છે, તોપણ આજ્ઞા છે તો સ્ત્રીઓની જાતિવિષે કાંઇ મિશ્રરસનું બોલું છું. તેમાં જેની પ્રશંસા કે નિંદા જે ઘટિત હશે તે આવશે.