પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જઈ શકાતું નથી ત્યાં પછી એની બધી કવિત્વ શક્તિ શા કામમાં આવે? પાસે ખર્ચી સઘળી ખૂટી પડી હતી. વાંસળી છોડીને જોયું તો કાલનું મોદીખાનું વસાવવા જેટલા પણ પૂરા દામ રહ્યા નથી. હવે શું કરવું ? દિલ્હી જેવા મોંઘા શહેરમાં શી રીતે રહી શકાય? રહીને કરવું શું? ક્યાં સુધી રહેવું ? દિલ્હીમાં સો વરસ કાઢે તોપણ દરવાન તો એની દસ્તુરી વિના દાખલ કરવાનો નથીજ. એનું મોં કેવડું? સો સો ને હજારો મોહરો તો એના એક દાંત નીચે દબાઈ જતી અને એ પ્રસન્ન થતો નહિ. બીરબલના ઉપર ખાસ મહેરબાની કરીને સો મોહોરે કબુલ થયો હતો, પણ બીરબલ તે લાવે ક્યાંથી ? પાછો પોતાને ગામ પગ ઘસડતો અને ભીખ માગતો જાય, તોપણ ઘરમાં સો રૂપિયા નહોતા તો સો મોહોરો ક્યે ઝાડેથી તોડી લાવવી? શું રાજ દરબારમાં જવાનો લોભજ છોડી દેવો? શું બીજાઓની પેઠે પ્રથમ કોઈ હલકા મુત્સદ્દીનો આશ્રય પકડાવો અને પછી નશીબ પર હાથ મૂકી બેસવું? એમ કરેથી ધારેલી મોટી ઉમેદો શી રીતે પાર પડે? વખતે જિંદગી પૂરી થાય તોપણ બાદશાહની હજુરમાં જવું જ બની શકે નહિ. આમ કરેથી મુત્સદ્દીપણાના કાંઈ કોડ કદાપિ પૂરા પડે, પણ કવિરાજ થવાની આશા તો નિર્મૂળ જ થાય. સામાન્ય બુદ્ધિવાળાની નોકરી ઉઠાવવી એના જેવું ભૂંડું શું ? એમાં શો માલ? શું હું બીરબલ એથી જ સંતોષ પામું? આ પ્રમાણે નાના પ્રકારના ખ્યાલ એના મનમાં ઉછાળા મારે અને એને કાંઇ સૂઝ પડે નહિ. ઉદાસીમાં છેક ગરક થઇ ગયો, છાતી ભરાઇ આવી, અને આંખમાંથી દડદડ આંસુ ચાલવા લાગ્યાં. તોપણ જાતે ધીરજવાળો હતો તેથી જીવ કઠણ કરીને ઉતારે પાછો આવ્યો, અને સુતો સુતો હજારો અંદેશા કરવા લાગ્યો. એના મનમાં એવોજ આગ્રહ ભરાયો કે એ દરવાનના મોંમાં તમાચો મારી કાંઇ પણ આપ્યા વિના હું સરેતોરે કચેરીમાં જાઉં, પાદશાહને રંજન કરૂં, અને તેજ ક્ષણે હું માનીતો થાઉં તોજ મારૂં નામ ખરૂં. પણ તે થાય કેમ ? એક તજવીજનો વિચાર કરે અને પછી પડતી મૂકે. એમ હજારો યુક્તિનું ચિંતવન કર્યું, પણ રસ્તો સૂઝે નહિ. આખરે પાછલી રાત્રે એને એક એવો સરસ બુટ્ટો સુઝ્યો કે એને રૂએ રૂએ હરખ વ્યાપી ગયો અને હું ફતેહ પામીશ એવો નિશ્ચય કરી નિરાંતે ઉંઘ્યો.


અકબર અને બીરબલ ભાગ - ૨જો

અકબરશાહ જેવા શાણા પાદશાહના દરબારમાં પણ દરવાનનું આટલું બધું ચલણ જોઈને બીરબલને ઘણું આશ્ચર્ય તથા માઠું લાગ્યું. એણે કહ્યું કે શું રાજ્યશ્રીની તૃષ્ણા રાખનારાઓના નશીબના દરવાજા પણ પાદશાહોએ આવા નીચ દરવાનનેજ સ્વાધીન કરી દીધા છે? આ હિસાબે તો પાદશાહ કરતાં પણ પોળિયાનો અખ્તિયાર પરોપકાર કરવાના કામમાં વધ્યો. શું અકબર પાદશાહ પણ સમજતો નહિ હોય કે દરવાનના હાથમાં આતાલો બધો અખ્તિયાર આપવાથી પોતાના સઘળા સદ્ગુણ રાજ્યને નિરૂપયોગી થઇ પડે છે અને દેશમાં જુલમ અને અંધેર ચાલતાં હોય તેને અટકાવવાને એના હાથમાં કાંઇ પણ સાધન રહેતાં નથી?

નાઉમેદીના પ્રથમ ઉભરામાં આ પ્રમાણે બીરબલે અકબરની બુદ્ધિનો ફિટકાર કર્યો ખરો, પણ જ્યારે જરા શાંત પડી વિચાર કર્યો ત્યારે એણે જોયું કે એમાં કાંઈ એનો