આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.


તો ત્યાંનો બાદશાહ લ્લાઉદ્દિન રાખી રહે, તો તેને રાખી રહેવાની રજા આપી અને ફરીથી હુમલો નહિ કરવાનું વચન આપ્યું. સને ૧૫૧૮ માં જ્યારે તે મરી ગયો ત્યારે પંજાબને નામે હાલ ઓળખાતો મુલક, વાયવ્ય પ્રાંતો, જુઆનપુર, મધ્ય હિંદુસ્તાનનો ઘણોખરો ભાગ અને પશ્ચિમ બીહારનો મુલક તેણે પોતાના રાજ્યમાં ભેળવી દીધો હતો. પણ ખરૂં જોતાં આ જમાવટ બધી નામનીજ હતી. લોદી સુલતાને જે અફઘાન અમીરોને જરૂર પડ્યાથી જુદા જુદા જીલ્લાઓની સુબેદારી આપી હતી, તે અમીરો એક જાતના માંડલિક રાજ્ય તંત્રથી બંધાયલા હતા છતાં પોતપોતાની સુબેદારીમાં સર્વે સ્વચ્છંદથી વર્તતા અને ફક્ત પોતાનાજ હુકમોનો અમલ થવાનો આગ્રહ રાખતા.

આ ગોઠવણનું પરિણામ એ આવ્યું કે જ્યારે સુલતાન સિકંદર મરણ પામ્યો ત્યારે આ સર્વ અમીરો આવી નામની તાબેદારી પણ સહન કરવાની વિરૂદ્ધ હતા. અને તેમણે એકઠા મળીને એવો ઠરાવ કર્યો કે સિકંદરના પુત્ર ઈબ્રાહીમ લોદીને માત્ર દિલ્હીનો મુલક આપવો અને મર્હૂમ સુલતાનનો જુઆનપુર સિવાયનો બાકીનો બધો મુલક પોતપોતામાં વહેંચી લેવો. આ જુઆનપુરનો જીલ્લો ઇબ્રાહીમના નાના ભાઈને દિલ્હીના એક માંડલિક પણ જુદા રાજ્ય તરીકે આપવાનો હતો. આના સંબંધમાં એમ જણાય છે કે જ્યારે આ દરખાસ્ત પહેલવહેલી ઇબ્રાહીમની સમક્ષ રજુ થઈ ત્યારે કંઈ પણ ઉપાય નથી એમ સમજીને તેણે પ્રથમ તો હા પાડી, પણ તેના સગા ખોજ્હાં લોદીના સમજાવવાથી એણે પોતાની કબુલાત પાછી ખેંચી લીધી, અને જુઆનપુર તરફ ઉપડી ગયેલા પોતાના ભાઇને પાછો બોલાવ્યો. ભાઈએ પાછા આવવાની ના કહી. અંદર અંદર લડાઈ સળગી અને તેમાં ઇબ્રાહીમને જય મળ્યો. સન ૧૫૧૮ માં એનો ભાઈ પણ મરણ પામ્યો ત્યારે ઈબ્રાહીમે એના રાજ્યલોભી અમીરો ઉપર પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. જેઓ સામે થયા તેમને તેણે શમાવ્યા. પણ આ વિજયનો એણે એવો ક્રૂર ઉપયોગ કર્યો કે જેથી બેદીલી શાન્ત પડવાને બદલે નવાં હુલડો પેદા થયાં. બીહાર, અયોધ્યા, અને જુઆનપુરના અમીરોએ હથીયારનું શરણ લીધું, પંજાબ પણ એમનેજ પગલે પગલે ચાલ્યું. આ આંતર સંક્ષોભ બહુ જુસ્સાથી ચાલ્યો અને