આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નારનારાયણ એક વર્તે, વંદનીય[૧] તે નર સદા;
દુસ્તર[૨] તારક[૩] નાવ હરિજન, નિઃકારણ માંહે મુદા[૪]. ૯

કહે અખો સુખે હોય, યોગક્ષેમ[૫] મહંતને;
દેહધારી સરખા દીસે, પણ રહે પદ અનંતને. ૧૦


કડવું ૪૦ મું - હરિગુરુસંતની સ્તુતિ

રાગ ધન્યાશ્રી

એ અખેગીતા જે નર ગાયજી, અણઆયાસે[૬] તે નરહરિ થાય઼જી;
સાંભળતાં મહાગહેન પલાયજી, એવો ગ્રંથનો છે મહિમાયજી. ૧

પૂર્વછાયા.

ગ્રંથનો મહિમાય મોટો, સાંભળતાં તે સદ્ય[૭] ફળે;
મનસા વાચા કર્મણાએ, જે સુરત્ય દઈને સાંભળે. ૧

રામતારક મંત્ર જે, તે અખેગીતાનો ભાવ;
જન્મ છેહલો હોય જેહને, તેહને મળે પ્રસ્તાવ[૮]. ૨

સંસારરૂપી મોહનિશાને[૯], નિવૃત્તાવા[૧૦] કાજ;
દિનમણિ છે અખેગીતા, પામે સદા સદોદિત રાજ. ૩

એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયાનિરિક્ષણ દૃષ્ટિ;
જીવન્મુક્ત ને મહામુક્તના, ચેહેન[૧૧] ને વળી પુષ્ટિ. ૪

પદ દશ ને ચાલીસ કડવાં, છે પરમપદની વાટ;
સંસારસાગર ઉપરે, એ સેતુ[૧૨] બાંધ્યો ઘાટ. ૫


  1. નમસ્કાર કરવા યોગ્ય
  2. દુઃખથી તરી શકાય તેવો સંસાર.
  3. તારનાર.
  4. પ્રસન્ન.
  5. અપ્રાપ્તની પ્રાપ્તિ ને પ્રાપ્તનું રક્ષણ.
  6. વિનાપ્રયત્ને.
  7. તુરત.
  8. સાંભળવાનો પ્રસંગ.
  9. અજ્ઞાનરૂપી રાત્રિને.
  10. દૂર કરવા.
  11. લક્ષણ.
  12. પાજ.