પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
 



૧૭
બન્નેની જીત

આપણે આગલી હસ્તપત્રિકાઓમાં જોઇ ગયા છીએ કે સત્યાગ્રહમાં હમેશાં બન્નેની જીત હોય છે. જે સત્યને સારૂ લડ્યો અને જેણે સત્ય મેળવ્યું તે તો જીત્યો જ, પણ જે સત્યની સામે થયો અને જેણે છેવટે સત્ય ઓળખ્યું અને આપ્યું તે પણ જીત્યો જ ગણાય. એ વિચારે મજુરોની પ્રતિજ્ઞા પળી છે તેથી બન્ને પક્ષ જીત્યા છે. વળી માલિકોએ પણ પ્રતિજ્ઞા લીધેલી કે તે ૨૦ ટકા ઉપરાંત નહિ આપે; તેઓની પણ પ્રતિજ્ઞાને આપણે માન આપ્યું છે. એટલે બેઉની લાજ રહી છે. સમાધાની શું છે તે હવે જોઈએ:—

૧. મજુરોએ આવતી કાલે એટલે તા. ૨૦મીએ કામે ચડવું અને તા. ૨૦મીએ તેઓને ૩૫ ટકાનો વધારો મળે અને તા. ૨૧મીએ ૨૦ ટકાનો વધારો મળે.

૨. તા. ૨૨મીથી ૩૫ ટકા સુધી પંચ ઠરાવે તે વધારો મળે.

૩. ગુજરાતના સાક્ષર શિરોમણિ, સાધુ પુરૂષ અને ગુજરાત કૉલેજના અધ્યાપક અને વાઇસ પ્રિન્સીપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ એમ. એ., એલએલ. બી. પંચ નીમાય.

૪. પંચ સાહેબનો ઠરાવ ત્રણ માસની અંદર બહાર પડે. તે દરમીયાન મજુરોને ૨૭ાા ટકા વધારો મળે. એટલે કે મજુરોએ અરધા મેલ્યા અને માલિકોએ અરધા મેલ્યા.