પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ મંત્રો અને ભજનોનું રહસ્ય બ્રહ્મચારીઓના આત્મામાં રેડાય અને કાળે કરીને તેમનાં કર્મમાત્રમાં એ ઉદાત્ત રહસ્યો પ્રગટ થતાં રહે એવો ગાંધીજીનો ઉદ્દેશ છે. મહાત્માજીની પ્રવૃત્તિમાં તો આશ્રમમાં નિત્ય રટાતું

‘कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम्’

અને આશ્રમનું માનીતું

‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ એ જ આજકાલ જોઈ રહ્યા છીએ.

આ બન્ને વચનો જેટલાં સાદાં છે તેટલાં જ ગંભીર છે. એમાં મમત્વ કે અભિમાનનો અંશ નથી રહેલો; કેવળ પ્રવૃત્તિ માત્ર એક ઈષ્ટ પ્રવાહમાં જ વહે એવી તીવ્ર વાંચ્છના એમાં રહેલી છે. માટે જ ખરા સત્યાગ્રહીએ એને પોતાનાં આચારસૂત્રો બનાવેલાં છે. મમત્વ કે અભિમાનથી તે સત્યાગ્રહનું ક્ષેત્ર શોધવા નથી જતો; સત્યાગ્રહના વિષયો આપોઆપ જ તેને મળી રહે છે, અને સત્યાગ્રહીને તે હાથ ધર્યા વિના ચાલતું જ નથી. ચંપારણ્ય મહાત્મા ગાંધીજી શોધતા નહિં ગયેલા, ચંપારણ્ય જ મહાત્માજીને ખેંચી લઈ ગયેલું. ખેડાના ખેડુતોની લડત પણ એઓ વ્હોરવા નહોતા ગયા, એ એમને સોંપવામાં આવી હતી. હા, એટલું ખરૂં કે મહાત્માજીએ અમુક વસ્તુ હાથમાં લીધી તે તેનો સંતોષકારક અંત લાવ્યા વિના છોડી નથી જ.

અમદાવાદના મીલમજુરોની લડતમાં પણ મહાત્માજીને પરેચ્છાએ પડવું પડેલું. તા. ૨ જી ફેબ્રુઆરીએ મહાત્માજીને ખેડાની સ્થિતિ સંબંધે મુંબઈ જવું પડેલું, ત્યારે ત્યાં તેમને