પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


શેઠ અંબાલાલ સારાભાઈનો મેળાપ થએલો. અંબાલાલભાઇએ કેટલાક કાગળો બતાવી મહાત્માજીને કહેલું કે અમદાવાદમાં મીલમજુરો, બોનસના સંબંધમાં અસંતોષ થવાથી હડતાળ પાડે એવી ધાસ્તી છે; અને હડતાળ પડશે તો પરિણામો બહુ અનિષ્ટ આવશે, માટે મહાત્માજીને વચ્ચે પડવાની જરૂર છે. અંબાલાલભાઈએ બતાવેલો ભય મહાત્માજીને ગંભીર લાગેલો, અને જો સ્થિતિ તેવી જ હોય તો આખા અમદાવાદ શહેરની શાંતિને ધક્કો પહોંચાડે એવા સંજોગો બનતા પ્રયત્ને અટકાવવાનો મહાત્માજીએ નિશ્ચય કરેલો.

અમદાવાદ જઇને એમણે મજુરોનો અને મીલના એજંટોનો પક્ષ શું છે તેની તપાસ કરવા માંડી. તેમણે જોયું કે ગયા વર્ષના અગસ્ટ માસથી સાળખાતાવાળા મજુરોને મનમાન્યાં ‘પ્લેગ બોનસ’ મળ્યા કરતાં આવ્યાં છે; તેમણે જોયું કે આ પ્લેગ બોનસથી લોભાઈ ઘણા સાળખાતાવાળા મજુરો, જેઓ પ્લેગને લીધે અમદાવાદ છોડી ચાલ્યા જાત તેઓ, જીવને જોખમે પણ મીલોને વળગી રહ્યા હતા. તેમણે જોયું કે આ પ્લેગ બોનસ કેટલાક દાખલાઓમાં મજુરોની રોજીના ૭૦ થી ૮૦ ટકા જેટલું આપવામાં આવતું હતું; અને પ્લેગ બંધ થયા પછી પણ અનાજ, કપડાં અને હરરોજના વાપરની વસ્તુઓના ભાવ તો પ્રથમના કરતાં બમણા તમણા અને ચારગણા થઈ જવાથી એ બોનસ ચાલુ રહ્યું હતું; આ બોનસ એકાએક બંધ કરવાના મીલમાલિકોના વિચારથી સાળખાતાવાળા મીલમજુરોમાં ખળભળાટ થયો હતો. તેઓ હમેશ શ્રી અનસૂયા બ્હેનને મળવા અને પોતાની સ્થિતિ તેમની આગળ પ્રગટ