પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નક્કી કર્યું; અને પંચમાં મીલમાલિકો તરફથી શેઠ અંબાલાલભાઇ, શેઠ જગાભાઈ દલપતભાઈ અને શેઠ ચંદુલાલ, મજુરો તરફથી મહાત્મા ગાંધીજી, શ્રી. વલ્લભભાઈ પટેલ અને શ્રી. શંકરલાલ બેંકર તથા સરપંચ તરીકે કલેક્ટર સાહેબ નીમાયા.

આ પછી તુરત મહાત્માજીને ખેડામાં જવાનું થયું, ત્યાંનો મામલો પણ ગંભીર હતો. તપાસ પણ તેમણે શરૂ કરી દીધી હતી, અને ત્યાંના કામમાં લગભગ તેઓ પરોવાયેલા હતા, એટલામાં તો અનસૂયા બ્હેને ખબર આપ્યા કે અહીંની સ્થિતિ ગંભીર છે અને માલિકો એકસામટી ‘લૉકઆઉટ’ જાહેર કરવાની તૈયારી ઉપર છે. મહાત્માજી અમદાવાદ પહોંચ્યા. તેમને ખબર મળી કે કેટલીક મીલમાં કંઇક ગેરસમજુત થવાથી મજુરોએ હડતાળ પાડી છે. મહાત્માજીએ જોયું કે પંચ નીમાયા પછી મજુરોએ લીધેલું આ પગલું ગેરવાજબી છે. તુરત તેમણે મીલમાલિકોને બનેલી બાબત ખાતર પોતાની દિલગીરી બતાવી, અને મજુરો ભૂલ સુધારી લેવાને તૈયાર છે એમ તેઓને જાહેર કર્યું. આ પ્રસંગે એટલું કહી દેવું જોઈએ કે મીલમાલિકોની પણ આમાં કાંઈ કસૂર થઈ ન હતી એમ નહિ, પણ મહાત્માજીએ પોતાના પક્ષની કસૂરને જ મહત્ત્વ આપ્યું, અને તે સુધારી લેવાની તત્પરતા બતાવી. પણ મીલમાલિકોને એ વાત ગળે ન ઉતરી. તેમણે તો પંચ નીમાયા પછી મજુરોએ હડતાળ પાડી એટલે તત્કાળ પંચ તૂટે છે એવો આગ્રહ કર્યો અને પોતે પંચથી બંધાયેલા ન હોવાને લીધે, ૨૦ ટકા વધારો લઈને કામ કરવા મજુરો રાજી ન હોય તો તેઓને કાઢી મુકવાનો નિશ્ચય કર્યો. આ